VIDEO : એક જ છત નીચે ત્રણ વિશ્વ ચેમ્પિયન કેપ્ટન! નીતા અંબાણીએ રોહિત, હરમનપ્રીત અને દીપિકા ટીસીનું કર્યું ભવ્ય સ્વાગત
ભારતની ત્રણ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમોનું સન્માન કરતી વખતે, રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા મુકેશ અંબાણીએ કહ્યું, "રમતગમત હૃદય અને ભારતને એક કરે છે. તેથી જ આપણે વિજયની ઉજવણી કરવામાં અને આ ખેલાડીઓનું સન્માન કરવામાં એક થઈએ છીએ."
સોમવાર સાંજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યુનાઈટેડ ઇન ટ્રાયમ્ફના બીજા સંસ્કરણમાં ભારતની પુરુષ, મહિલા અને દૃષ્ટિહીન વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમોનું સન્માન કરવામાં આવ્યું.
ત્રણેય ટીમોના કેપ્ટન હાજર રહ્યા હતા
ખેલાડીઓનું સન્માન કરતી વખતે નીતા અંબાણીએ કહ્યું, "મને લાગે છે કે આપણે નવા વર્ષની શરૂઆત ખૂબ જ ખાસ પ્રસંગ સાથે કરી રહ્યા છીએ. ત્રણેય ભારતીય ક્રિકેટ ટીમો એક છત નીચે હાજર છે. આજે દરેક ભારતીય વતી અમે તેમને આનંદ અને ખુશી લાવવા બદલ સન્માનિત કરી રહ્યા છીએ."
સમારંભમાં વિશ્વ વિજેતા પુરુષ ટીમના કેપ્ટન રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર અને દૃષ્ટિહીન ક્રિકેટ ટીમના કેપ્ટન દીપિકા ટીસીનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે 12 વર્ષની રાહ જોયા પછી 2025માં દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
2025માં તેમણે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત રોહિત શર્માના નેતૃત્વમાં ટીમે 2024નો T20 ખિતાબ પણ જીત્યો હતો. તેવી જ રીતે, હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ક્રિકેટ ટીમે લાંબા સમય સુધી રાહ જોયા પછી દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. 2025માં દૃષ્ટિહીન મહિલા ક્રિકેટ ટીમે પણ કોલંબોમાં નેપાળને સાત વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.
કેટલાક ખેલાડીઓ પણ હાજર હતા
જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને ગંગા કદમ સહિત ત્રણેય વર્લ્ડ કપ વિજેતા ટીમોના ખેલાડીઓ, ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રવિચંદ્રન અશ્વિન, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક દિગ્ગજો મુરલીકાંત પેટકર, દીપા મલિક અને દેવેન્દ્ર ઝાઝરિયા સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. સિનેમાના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન પણ વિજેતા ખેલાડીઓનું મનોબળ વધારવા માટે સમારોહમાં હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે યુનાઈટેડ ઇન ટ્રાયમ્ફ ઇવેન્ટ દ્વારા, નીતા મુકેશ અંબાણી માત્ર ભારતીય રમતગમતની જીતની ઉજવણી જ નહીં પરંતુ ભારતની રમતગમતની યાત્રાને વ્યાખ્યાયિત કરતા મૂલ્યો અને ઉદ્દેશ્યોની પણ ઉજવણી કરે છે.

