ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળશે આવું, ટીમ ઈન્ડિયા તોડશે અંગ્રેજોની પરંપરા!

ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી એવું થયું છે કે મેચના પહેલા દિવસે સવારે ટોસ થાય છે, આ પછી ઈનિંગમાં બે કલાકની રમત પછી 40 મિનિટનો બ્રેક પડે છે, જેને લંચ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મેચ ફરી શરૂ થાય છે, ત્યારે બે કલાક પછી ટી બ્રેક પડે છે. આ 20 મિનિટના ટી બ્રેક પછી, વધુ બે કલાક રમત ચાલે છે, જેના પછી દિવસની રમત સમાપ્ત થાય છે. જોકે, ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝની બીજી મેચ દરમિયાન આ પરંપરા બદલાઈ શકે છે. આ મેચમાં આપણને લંચ બ્રેકની પહેલા ટી બ્રેક જોવા મળી હકે છે.
એક અહેવાલ મુજબ, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 22 નવેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાશે. એવી પ્રબળ શક્યતા છે કે આ મેચમાં લંચ બ્રેકની જગ્યાએ ટી બ્રેક લેવામાં આવશે. કારણ કે પૂર્વ ભારતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વહેલા થાય છે. હાલમાં મેચ શરૂ થવાનો સમય 9:30 વાગ્યાનો છે છે, પરંતુ તેને 9:00 વાગ્યે ખસેડી શકાય છે.
બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ મેચના સમયમાં 9:00થી 11:00 વાગ્યા સુધી પ્રથમ સેશન, આ પછી 11:00થી 11:20 વાગ્યે ટી બ્રેક, ત્યારબાદ 11:20થી 1:20 વાગ્યા સુધીબીજું સેશન અને તે પછી 40 મિનિટનો લંચ બ્રેક, જે 2:00 સુધી હશે. આ પછી 2:00થી 4:00 વાગ્યા સુધી ત્રીજું સેશન ચાલશે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "ટી બ્રેકનું જલ્દી કરવાનું કારણ એ છે કે ગુવાહાટીમાં સૂર્યાસ્ત વહેલો થાય છે, અને રમત પણ જલ્દી શરૂ થઈ જાય છે. આ પહેલી વખત હશે અમે ટી બ્રેકના સેશનનો સમય બદલવાનો નિર્ણય લીધો છે."
પરંપરાગત રીતે, ભારતમાં ટેસ્ટ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે, અને પ્રથમ સેશન 11:30 વાગ્યા સુધી ચાલે છે. આ પછી 40 મિનિટનો લંચ બ્રેક (11:30થી 12:10 વાગ્યા સુધી) આવે છે, ત્યારબાદ બીજું સેશનત્ર શરૂ થાય છે. બીજું સેશન બપોરે 12:10 થી 2:10 વાગ્યા સુધી ચાલે છે. ત્યારબાદ બંને ટીમો 20 મિનિટનો ટી બ્રેક ( 2:10થી 2:30 વાગ્યા સુધી) લે છે, ત્યારબાદ ત્રીજું સેશન બપોરે 2:30થી 4:30 વાગ્યા સુધી હોય છે. મેચ અધિકારીઓ ટીમોને દરરોજ 90 ઓવર પૂર્ણ કરવા માટે વધારાનો અડધો કલાક આપી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ આ માટે સંમત થયા છે.
અલગ અલગ હોય છે ટાઈમિંગ
રમતની શરૂઆતનો સમય દેશ પ્રમાણે બદલાઈ શકે છે, કારણ કે દરેક દેશની ટાઈમિંગ અલગ છે અને સૂર્યોદય તેમજ સૂર્યાસ્તનો સમય પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, ઈંગ્લેન્ડમાં ઉનાળાના લાંબા દિવસોને કારણે, તેઓ સવારે 11:00 વાગ્યે તેની ટેસ્ટ મેચ શરૂ કરે છે. જોકે, મોટાભાગની ટીમો ટેસ્ટ મેચ દરમિયાન પરંપરાગત રીતે લંચ પછી ટી બ્રેકનું પાલન કરે છે. આ પરંપરા ઈંગ્લેન્ડમાં ઉદ્ભવી હતી, જ્યાં પહેલું સેશન બપોરે 1 વાગ્યે સમાપ્ત થયું હતું.

