IND vs SA / ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો છે આ આફ્રિકન ખેલાડી, અત્યાર સુધી નથી હાર્યો એક પણ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને હવે ટી ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે હોમ સિરીઝ રમવા માટે તૈયર છે, જેમાં સૌથી પહેલા 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જેની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શરૂ થશે. આ ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકાનો ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા ભારત માટે સૌથી મોટો ખતરો બની શકે છે, જેણે કેપ્ટન તરીકે એક પણ ટેસ્ટ મેચ નથી હારી. ચાલો તમને તેના રેકોર્ડ વિશે અને ટેસ્ટ ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકાના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે પણ જણાવીએ.
શુભમન ગિલની કેપ્ટન તરીકે આ ત્રીજી ટેસ્ટ સિરીઝ હશે. ઈંગ્લેન્ડ સામેની પહેલી સિરીઝ 2-2 થી ડ્રો રહી હતી. ત્યારબાદ ગિલ અને તેની ટીમે વેસ્ટ ઈન્ડિઝને બે મેચની સિરીઝમાં 2-0થી હરાવ્યું હતું. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા ટેમ્બા બાવુમાના પ્રભાવશાળી રેકોર્ડને તોડી શકે છે કે નહીં, જે તેણે 2023થી જાળવી રાખ્યો છે.
ટેમ્બા બાવુમા કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ નથી હાર્યો
ટેમ્બા બાવુમાની કેપ્ટનશિપ હેઠળ, સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે આ વર્ષે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનું પ્રથમ WTC ટાઈટલ જીત્યું હતું. 2023માં ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા, બાવુમાએ કેપ્ટન તરીકે 10 ટેસ્ટ રમી છે, જેમાંથી નવ જીતી છે અને એક ડ્રો રહી છે.
બાવુમાની કેપ્ટનશિપ હેઠળ, સાઉથ આફ્રિકા એક પણ ટેસ્ટ નથી હાર્યું અને ફક્ત એક ટેસ્ટ જ ડ્રો રહી છે. બાવુમાએ અગાઉ ભારત સામે ફક્ત એક જ ટેસ્ટ રમી છે, જે સાઉથ આફ્રિકાએ ઈનિંગ અને 32 રનથી જીતી હતી.
ટેસ્ટમાં બંને ટીમનો હેડ-ટુ-હેડ રેકોર્ડ
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે 1999માં ભારતમાં તેની પહેલી અને અત્યાર સુધીની એક માત્ર સિરીઝ જીતી હતી. ત્યારથી ટીમે ટેસ્ટ રમવા માટે પાંચ વખત ભારતનો પ્રવાસ કર્યો છે પરંતુ ક્યારેય જીતી નથી. સાઉથ આફ્રિકાએ ભારતમાં રમેલી સાત ટેસ્ટ સિરીઝમાંથી, ફક્ત એક જ જીતી છે, જ્યારે ચાર ટીમ ઈન્ડિયાએ જીતી છે અને બે ડ્રો રહી છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 44 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે 16 અને દક્ષિણ આફ્રિકાએ 18 મેચ જીતી છે. દસ મેચ ડ્રો રહી છે.
ટેસ્ટ સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ
ભારત: સાઈ સુદર્શન, શુભમન ગિલ, દેવદત્ત પડિક્કલ, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: ડેવાલ્ડ બ્રેવિસ, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઝુબેર હમઝા, એડન માર્કરામ, કોર્બિન બોશ, માર્કો યાનસન, સેનુરન મુથુસામી, વિલેમ મુલ્ડર, કાયલ વેરેન્ને (વિકેટકીપર), રિયન રિકેલ્ટન (વિકેટકીપર), કાગીસો રબાડા, કેશવ મહારાજ, સાઈમોન હાર્મર.

