AUS vs ENG / ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત જોવા મળ્યું આવું, મેચની ત્રણ ઈનિંગમાં બન્યો અદ્ભુત સંયોગ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમત ચાલી રહી છે. આ મેચમાં બે દિવસમાં અનેક રેકોર્ડ બન્યા છે. દરમિયાન, પર્થ ટેસ્ટ મેચ દરમિયાન, એક એવો સંયોગ જોવા મળ્યો જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલાં ક્યારેય નથી બન્યો.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
પર્થમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ દરમિયાન, એવું પહેલીવાર બન્યું કે ટેસ્ટ મેચની ત્રણ ઈનિંગ્સમાં ટીમે એક પણ રન બનાવ્યા વિના પહેલી વિકેટ ગુમાવી હોય. જ્યારે મિચેલ સ્ટાર્કે ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં જેક ક્રોલીને આઉટ કર્યો, ત્યારે ઈંગ્લેન્ડના સ્કોરબોર્ડ પર કોઈ રન નહતો. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં, જોફ્રા આર્ચરે જેક વેધરાલ્ડને આઉટ કર્યો. જ્યારે વેધરલ્ડ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાએ પણ હજુ પોતાનું ખાતું નહતું ખોલ્યું. મેચની ત્રીજી અને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં મિચેલ સ્ટાર્કે ફરી એકવાર જેક ક્રોલીને શૂન્ય પર આઉટ કર્યો. આમ, મેચની પહેલી ત્રણેય ઈનિંગ્સમાં કોઈ રન બને તે પહેલા પહેલી વિકેટ પડી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલા ક્યારેય નહતું જોવા મળ્યું.
ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 172 રનમાં સમેટાઈ
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ, તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 52 રન બનાવ્યા, જ્યારે ઓલી પોપે 46 રનનું યોગદાન આપ્યું હતું. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 7 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ફક્ત 132 રન બનાવ્યા
જવાબમાં, ઓસ્ટ્રેલિયાની બેટિંગ પણ પ્રથમ ઈનિંગમાં ખૂબ જ નબળી રહી. આખી ટીમ પ્રથમ ઈનિંગમાં 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં કોઈપણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અડધી સદી નહતો ફટકારી શક્યો. કાંગારૂઓ તરફથી એલેક્સ કેરીએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે આ ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જયારે બ્રાયડન કાર્સે ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગના આધારે, ઈંગ્લેન્ડને 40 રનની લીડ મળી હતી.

