PBKS VS MI: પેવેલિયનમાંથી રિવ્યુ લેવાનો આવ્યો નિર્ણય, મુંબઈ સામે છેતરપિંડીના લાગી રહ્યા છે આરોપ
IPL 2024 દરમિયાન અમ્પાયર અને થર્ડ અમ્પાયરના નિર્ણયો પર ઘણી વખત સવાલો ઊભા થતા હોય છે. 18 એપ્રિલ ગુરુવારે પંજાબ

IPL 2024 દરમિયાન અમ્પાયર અને થર્ડ અમ્પાયરના નિર્ણયો પર ઘણી વખત સવાલો ઊભા થતા હોય છે. 18 એપ્રિલ ગુરુવારે પંજાબ કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ દરમિયાન કંઈક આવું જ થયું. મુંબઈ ઈન્ડિયન્સ પર મેચ દરમિયાન છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હકિકતમાં અમ્પાયરના નિર્ણયને પડકારવા માટે બેમાંથી કોઈપણ ટીમને રિવ્યુ લેવો પડે તો મેદાનની અંદરથી લેવાય છે. પેવેલિયનમાં બેઠેલા સપોર્ટ સ્ટાફ અને અન્ય ખેલાડીઓનું તેમાં કોઈ યોગદાન હોતું નથી. પરંતુ પંજાબ કિંગ્સ સામે MI ના ડગઆઉટમાંથી રિવ્યુ માગવામાં આવ્યો હતો. આ જોઈને પંજાબનો કેપ્ટન સેમ કુરન ગુસ્સે ભરાયેલો જોવા મળ્યો હતો.
આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 15મી ઓવરમાં બની હતી. ઓવરનો ચોથો બોલ અર્શદીપ સિંહે સૂર્યકુમાર યાદવને વાઈડ યોર્કર ફેંક્યો. અમ્પાયરે તેને લીગલ બોલ જાહેર કર્યો. પરંતુ થોડીક સેકન્ડો પછી જ્યારે MI ના ડગઆઉટમાં બેઠેલા સપોર્ટ સ્ટાફે ટીવી પર આ બોલ જોયો, ત્યારે તેઓએ સૂર્યાને રિવ્યુ લેવા કહ્યું. સૂર્યાએ ડગઆઉટમાંથી થયેલા ઈશારાને પગલે રિવ્યૂ લીધો. પંજાબનો કેપ્ટન સેમ કુરન MI કેમ્પમાંથી થયેલા આ ઈશારાથી નિરાશ થયો હતો. તેણે એમ્પાયર સાથે વાત કરી પરંતુ કંઈ વળ્યું નહીં.
થર્ડ અમ્પાયરની ભૂલની બીજી ઘટના 4 ઓવર પછી મુંબઈની ઈનિંગની 19મી ઓવરમાં બની હતી. સેમ કુરેને ઓવરનો ત્રીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. ટિમ ડેવિડ આ બોલને કટ કરવા માગતો હતો. અમ્પાયરે તેને લીગલ બોલ જાહેર કર્યો, પરંતુ ટિમ ડેવિડે તેના નિર્ણયને પડકાર્યો. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ તેને વાઈડ બોલ આપ્યો હતો. હકિકતમાં બોલ ટિમ ડેવિડના બેટની નીચેથી પાસ થયો હતો અને બોલ તેની રેન્જમાં હતો. અમ્પાયરના આ નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે.
મેચની વાત કરીએ તો ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવ (78)ની અડધી સદીના આધારે પંજાબ કિંગ્સને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલે 4 ઓવરમાં 31 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી, આ સિવાય કેપ્ટન સેમ કુરનને 2 સફળતા મળી હતી. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમે પાવરપ્લેમાં પ્રભસિમરન સિંહ, રિલે રોસોઉ, સેમ કુરન અને લિયામ લિવિંગસ્ટોનના રૂપમાં પોતાની ચાર મોટી વિકેટો ગુમાવી દીધી હતી. આ સમયે ટીમ માંડ 100 કરી શકે તેવું લાગતું હતું પરંતુ આશુતોષ શર્મા (61) સાથે શશાંક સિંહ (41)એ તબાહી મચાવી દીધી હતી. પરંતુ ટીમને જીત ના અપાવી શક્યા. પંજાબ કિંગ્સનો 9 રને પરાજય થયો હતો.






