હાર્દિક પંડ્યા સાથે થયો ખેલ, કોચ અને કેપ્ટન વચ્ચે પેચ ફસાતા અઢી કલાક ચાલી સિલેક્શન મીટિંગ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 6 ફેબ્રુઆરીથી ભારતમાં રમાનાર ત્રણ મેચની વન ડે સિરીઝ અને 19 ફેબ્રુઆરીથી પ

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 6 ફેબ્રુઆરીથી ભારતમાં રમાનાર ત્રણ મેચની વન ડે સિરીઝ અને 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઇમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમના મોટાભાગના નામો પર પહેલા જ સહમતિ હતી. શનિવારે મુંબઇમાં BCCIની ઓફિસમાં અઢી કલાક સુધી ચાલેલી પસંદગી સમિતિની બેઠકમાં પુરી ચર્ચા આ વાત પર કેન્દ્રિત થઇ ગઇ કે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલમાંથી કોણ રોહિત શર્માનો ઉત્તરાધિકારી હોવો જોઇએ.
આ ખેલાડીઓ પર થઇ ચર્ચા
સુત્રો અનુસાર મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવા માંગતો હતો જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવા માંગતા હતા. આટલું જ નહીં મુખ્ય કોચ ગંભીર ટી-20માં એક કેલેન્ડર વર્ષમાં ત્રણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર સંજુ સેમસનને વિકેટ કીપર તરીકે ઇચ્છતા હતા જ્યારે પસંદગીકારોએ રિષભ પંત પર વિશ્વાસ બતાવ્યો હતો. કેએલ રાહુલ એક અન્ય વિકેટકીપર હશે.
હાર્દિક પંડ્યા સાથે થયો ખેલ
જ્યારે રોહિત શર્મા ભારતીય ટીમના તમામ ફોર્મેટમાં કેપ્ટન હતો ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વન ડે અને ટી-20 ટીમનો વાઇસ કેપ્ટન હતો. 2023માં ઘરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં રોહિત કેપ્ટન અને હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હતો. જ્યારે ઇજાને કારણે હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટ વચ્ચે ખસી ગયો તો રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ડિસેમ્બરમાં મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને પોતાની ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન જાહેર કર્યો હતો. તે બાદથી ભારતે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વિરૂદ્ધ માત્ર બે વન ડે સિરીઝ રમી છે. રોહિત શર્માને દક્ષિણ આફ્રિકામાં વર્ષ 2023માં 17થી 21 ડિસેમ્બર સુધી ત્રણ વન ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો જ્યારે હાર્દિક ફિટ નહતો ત્યારે રાહુલે કેપ્ટન્સી કરી હતી. ગિલ વન ડે ટીમમાં પણ નહતો.
કેપ્ટન,ચીફ સિલેક્ટરનું દબાણ
ગત વર્ષે શ્રીલંકામાં ત્રણ મેચની વન ડે સિરીઝમાં ગિલને વન ડે અને ટી-20 બન્નેમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માએ વન ડે ફોર્મેટમાં કેપ્ટન તરીકે વાપસી કરી હતી. રોહિત શર્માએ ગત વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં ભારતીય ટીમને પોતાની કેપ્ટન્સીમાં ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવી આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. જે બાદ BCCI હાર્દિક પંડ્યાને ટી-20માં કમાન સોપવા માંગતા હતા પરંતુ મુખ્ય પસંદગીકાર અને રોહિત શર્માનો પ્રભાવ એટલો વધારે હતો કે સૂર્યકુમાર યાદવને ટી-20માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં પણ કેપ્ટન્સી કરશે.
આ પણ વાંચો: 752ની એવરેજથી કરી બેટિંગ, 7 ઈનિંગમાં ફટકારી 5 સદી, છતાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન મળ્યું ટીમમાં સ્થાન
ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા (માત્ર ઇંગ્લેન્ડ સિરીઝ માટે)








