VIDEO: On This Day / તે ભાવુક ક્ષણ જ્યારે T20Iમાંથી 'ત્રિમૂર્તિ' ની થઈ વિદાય, વર્લ્ડ કપ જીત્યા બાદ તૂટ્યા હતા ફેન્સના દિલ
29 જૂનનો દિવસ ભારતીય ફેન્સ માટે જેટલી ખુશી લાવે છે તેટલું જ દિલ પણ તોડે છે. બે વર્ષ પહેલાં, આ દિવસે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે બાર્બાડોસમાં ઈતિહાસ રચ્યો હતો.
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 જીતીને 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું.
ત્રણ ખેલાડીઓની નિવૃત્તિ
ભારતીય ફેન્સ આ વિજયની ઉજવણી કરી રહ્યા હતા. જેમ જેમ ઉજવણી વેગ પકડી રહી હતી, તેમ તેમ ક્રિકેટ ફેન્સને એક પછી એક ત્રણ ઝટકાનો સામનો કરવો પડ્યો. મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા પછી વિરાટ કોહલીએ જાહેરાત કરી કે આ તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી.
ફેન્સને આ સમાચાર પચ્યા નહતા ત્યાં રોહિત શર્માએ પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. બીજા દિવસે, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
છેલ્લી ઓવર રોમાંચક હતી
ફાઈનલ મેચ અત્યંત રોમાંચક હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીના 76 અને અક્ષર પટેલના 47 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીત માટે 16 રનની જરૂર હતી. ડેવિડ મિલર અને કેશવ મહારાજ ક્રીઝ પર હતા.
સૂર્યાએ યાદગાર કેચ ઝડપ્યો
રોહિત શર્માએ 20મી ઓવર હાર્દિક પંડ્યાને સોંપી. હાર્દિકે પહેલા જ બોલ પર ડેવિડ મિલરને પવેલિયન મોકલી દીધો. સૂર્યકુમાર યાદવે લોંગ ઓફ પર ઐતિહાસિક કેચ લીધો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રોટીઝ 20 ઓવરમાં ફક્ત 169 રન જ બનાવી શક્યું, જેનાથી ભારતના 11 વર્ષના ICC ટાઈટલ દુકાળનો અંત આવ્યો. ભારતે અગાઉ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
T20I પ્રદર્શન પર એક નજર
વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં 125 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 117 ઈનિંગ્સમાં 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઇક રેટથી 4188 રન બનાવ્યા છે. તેણે પોતાની T20I કારકિર્દીમાં 38 અડધી સદીઅને 1 સદી ફટકારી છે.
2007માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રોહિત શર્માએ 159 મેચોની 151 ઈનિંગ્સમાં 4231 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, રોહિતે 32 અડધી સદી અને 5 સદી ફટકારી છે.
રવિન્દ્ર જાડેજાએ 74 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 41 ઈનિંગ્સમાં 515 રન બનાવ્યા છે. આ ઓલરાઉન્ડરે 71 ઈનિંગ્સમાં 54 વિકેટ ઝડપી છે.

