IND vs NZ / ટીમ ઈન્ડિયાએ તોડ્યો વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ, અભિષેક અને સૂર્યાના દમ પર હાંસલ કરી મોટી સિદ્ધિ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T20I મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ટીમ ઈન્ડિયાએ 60 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી અને વેસ્ટ ઈન્ડિઝનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો. બોલની દૃષ્ટિએ T20I મેચમાં 150થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરતી કોઈપણ ફૂલ મેમ્બર ટીમ દ્વારા આ સૌથી મોટી જીત છે.
T20I ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સિદ્ધિ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ એવી સિદ્ધિ હાંસલ કરી જે T20I ક્રિકેટમાં કોઈ ફૂલ મેમ્બર ટીમે ક્યારેય નથી મેળવી. 154 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ભારતે 60 બોલ (10 ઓવર) બાકી રહેતા જીત મેળવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા હવે T20Iમાં 150થી વધુ રનનો પીટાર્ગેટ ચેઝ કરતી વખતે સૌથી વધુ બોલ બાકી રહેતા જીત મેળવવાનો રેકોર્ડ ધરાવે છે. ભારતે આ સંદર્ભમાં વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2024માં સાઉથ આફ્રિકા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે તે મેચ 37 બોલ બાકી રહેતા જીતી મેળવી હતી.
ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પણ આ યાદીમાં સામેલ
T20Iમાં 150થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે સૌથી વધુ બોલ બાકી રહેતા જીત મેળવવાના મામલે ઈંગ્લેન્ડ ત્રીજા ક્રમે છે. ઈંગ્લેન્ડે 2022માં પાકિસ્તાન સામે 33 બોલ બાકી રહેતા મેચ જીતી હતી. તે પહેલા 2016માં સાઉથ આફ્રિકાએ 32 બોલ બાકી રહેતા ઈંગ્લેન્ડ સામે મેચ જીતી હતી. આ બધી ટીમોને પાછળ છોડીને ટીમ ઈન્ડિયાએ હવે આ રેકોર્ડ હાંસલ કર્યો છે.
અભિષેક અને સૂર્યાની શાનદાર બેટિંગ
આ મેચમાં ટીમ ઈન્ડિયાના રેકોર્ડ રન ચેઝમાં અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 154 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખરાબ રહી હતી, મેચના પહેલા જ બોલે ટીમે ઓપનર સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઈશાને 13 બોલમાં 28 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 20 બોલમાં 68 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

