WPL 2026 / દિલ્હી કેપિટલ્સે રોક્યો RCBનો વિજય રથ, 7 વિકેટથી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલમાં લગાવી છલાંગ

જેમિમા રોડ્રિગ્સની કેપ્ટનશિપ હેઠળની દિલ્હી કેપિટલ્સ (DC) એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં સ્મૃતિ મંધાનાની RCBની જીતનો સિલસિલો તોડી નાખ્યો છે. 24 જાન્યુઆરીના રોજ રમાયેલી મેચમાં DCએ 110 રન ટાર્ગેટ 4.2 ઓવર બાકી રહેતા જ ચેઝ કરી લીધો અને પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ. આ સાથે તેની નેટ રન રેટ પણ સુધરી ગઈ છે. લૌરા વોલ્વાર્ડટે અણનમ 42 રનની ઈનિંગ રમીને ટીમનર જીત અપાવી, જ્યારે કેપ્ટન જેમિમાએ શરૂઆતના ઝટકા પછી 52 રનની મહત્ત્વપૂર્ણ ભાપાર્ટનરશિપમાં 24 રનનું યોગદાન આપ્યું. મેરિઝાન કેપે અણનમ 19 રન બનાવીને મેચ ફિનીશ કરી.
DC પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ
આ જીતથી દિલ્હી કેપિટલ્સની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત છે, અગાઉ ફ્રેન્ચાઈઝી પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને હતી. પરંતુ આ જીત સાથે તે હવે 6 પોઈન્ટ અને -0.169ની નેટ રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે RCB 10 પોઈન્ટ સાથે ટોપ પર છે, ગુજરાત જાયન્ટ્સ હવે ત્રીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને સરકી ગયું છે અને યુપી વોરિયર્સ છેલ્લા સ્થાને છે.
ફોબી લિચફિલ્ડ પાસે છે ઓરેન્જ કેપ
યુપી વોરિયર્સની ફોબી લિચફિલ્ડ હાલમાં WPL 2026ની ટોપ સ્કોરર છે, તેણે 6 મેચમાં 40ની એવરેજ સાથે 243 રન બનાવ્યા છે. જ્યારે હરમનપ્રીત કૌર 240 રન સાથે બીજા સ્થાને છે, સ્મૃતિ મંધાના અને લિઝેલ લીએ શનિવારે રાત્રે પોતપોતાના પ્રદર્શન પછી પોતાના સ્કોરમાં સુધારો કર્યો છે. મંધાનાએ 34 બોલમાં 38 રન બનાવ્યા, જેનાથી તેનો અત્યાર સુધીનો સ્કોર 230 રન થયો અને તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ. જ્યારે દિલ્હીની લિઝેલ લી 219 રન સાથે ચોથા સ્થાને છે.
નંદિની શર્મા પાસે પર્પલ કેપ
દિલ્હી કેપિટલ્સની નંદિની શર્માએ RCB સામે 3/26 વિકેટ લીધી, જેનાથી તે વિકેટ લેનારા ચાર્ટમાં ટોપ પર પહોંચી ગઈ, તે હાલમાં આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે 6 મેચમાં 13 વિકેટ લીધી છે. ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઈન 11 વિકેટ સાથે બીજા ક્રમે છે. RCBની નાદીન ડી ક્લર્ક (10 વિકેટ) અને લોરેન બેલ (9 વિકેટ) અનુક્રમે ત્રીજા અને પાંચમા ક્રમે છે, જ્યારે MIની અમેલિયા કેર 10 વિકેટ સાથે ચોથા ક્રમે છે.

