મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગૌતમ ગંભીરની કોચિંગ ટીમ તૈયાર!, ટી. દિલીપ ફરી બનશે ફિલ્ડિંગ કોચ, સપોર્ટ સ્ટાફમાં બે મોટા નામની એન્ટ્રી

શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત થયા બાદ હવે કોચ ગૌતમ ગંભીર સપોર્ટ સ્ટાફની જાહેરાત થઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બો

ગૌતમ ગંભીરની કોચિંગ ટીમ તૈયાર!, ટી. દિલીપ ફરી બનશે ફિલ્ડિંગ કોચ, સપોર્ટ સ્ટાફમાં બે મોટા નામની એન્ટ્રી

શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત થયા બાદ હવે કોચ ગૌતમ ગંભીર સપોર્ટ સ્ટાફની જાહેરાત થઇ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગંભીરના મોકલેલા નામ પર મોહર મારી દીધી છે માત્ર ઓફિશિયલ જાહેરાત બાકી છે. ભારતના પૂર્વ ખેલાડી અભિષેક નાયર અને નેધરલેન્ડના ક્રિકેટર રેયાન ટેન ડોશ્ચેટ ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થવા માટે તૈયાર છે. રાહુલ દ્રવિડના કાર્યકાળમાં ફિલ્ડિંગ કોચ રહેલા ટી દિલીપનો ફરી સપોર્ટ સ્ટાફમાં સમાવેશ થઇ શકે છે. દિલીપ ફિલ્ડિંગ કોચની સાથે સાથે ડ્રેસિંગ રૂમનો માહોલ પણ સકારાત્મક બનાવી રાખવા માટે જાણીતા છે. 

બોલિંગ કોચ પર અસમંજસ

અભિષેક નાયર અને ટેન ડોશ્ચેટ બન્નેને આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવશે. નવા બોલિંગ કોચને લઇને હજુ કઇ સ્પષ્ટ નથી. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ને મોર્કલ એક મજબૂત ઉમેદવાર છે અને ગૌતમ ગંભીર તેના માટે એડીચોટીનું જોર લગાવી ચુક્યા છે. જો બધુ યોગ્ય રહ્યું તો મોર્કલ જ ભારતના બોલિંગ કોચ હશે. મોર્કલ ક્યારે અને કેવી રીતે ટીમ સાથે જોડાશે તેના વિશે કોઇ સ્પષ્ટતા નથી. 

ગંભીર સાથે કામ કરી ચુક્યો છે નવો સપોર્ટ સ્ટાફ

કોચિંગ ટીમમાં સામેલ અભિષેક નાયર, ટેન ડોશ્ચેટ અને મોર્ને મોર્કલ અલગ અલગ ફ્રેન્ચાઇઝીમાં ગૌતમ ગંભીર સાથે IPLમાં કામ કરી ચુક્યા છે. ગત સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે જ્યારે ગંભીરની મેન્ટરશિપમાં ટ્રોફી ઉઠાવી તો અભિષેક નાયર અને રેયાન ટેન ડોશ્ચેટ તેમની સાથે હતા જ્યારે મોર્કલે ગંભીર સાથે લખનૌ સુપર જાયન્ટ્સમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું. ટી દિલીપ અને અભિષેક નાયર સોમવારે ટીમ સાથે મુસાફરી કરશે પરંતુ આ સ્પષ્ટ નથી કે ટેન ડોશ્ચેટ ક્યારે અને કેવી રીતે ટીમ સાથે જોડાશે. તે અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ (MLC)માં LA નાઇટ રાઇડર્સના કોચિંગ સ્ટાફનો ભાગ છે. તે સીધા કોલંબોમાં ટીમ સાથે જોડાઇ શકે છે.

22 જુલાઇએ પ્રેસ કોન્ફરન્સ

ભારતીય ટીમ સોમવાર બપોરે 1 વાગ્યે ચાર્ટર ફ્લાઇટમાં મુંબઇથી કોલંબો માટે રવાના થશે. પહેલા આશા વ્યક્ત કરવામાં આવતી હતી કે BCCI ઔપચારિક રીતે ગંભીરને નવા મુખ્ય કોચના રૂપમાં રજૂ કરશે. 22 જુલાઇએ મુંબઇના અંધેરી સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફરન્સની યોજના બનાવવામાં આવી છે જેમાં ટી-20 કેપ્ટન સૂર્યકુમાર હાજર રહેશે. BCCIના પ્રમુખ જય શાહ ICC વાર્ષિક સમ્મેલન માટે પહેલાથી જ કોલંબોમાં છે. શ્રીલંકા પહોંચવા પર ટીમના નવા સભ્યોને તે મળશે.

આ સમાચાર શેર કરો