ટીમ ઈન્ડિયાના સ્ટાર્સે ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન પહેરી ફૂટબોલ જર્સી, માન્ચેસ્ટર યુનાઈટેડ પર ચઢ્યો ભારતીય રંગ

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની સ્ટાઇલ બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. સિરીઝની મહત્ત્વપૂર્ણ મેચના 3 દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના ખેલાડીઓને મળવા પહોંચ્યા હતા. જ્યાં ભારતીય ખેલાડીઓ ફૂટબોલ જર્સી પહેરેલા જોવા મળ્યા હતા. જ્યારે યુનાઈટેડના ખેલાડીઓ ભારતીય જર્સીમાં જોવા મળ્યા હતા. આ મુલાકાતઘણા ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારતીય સ્ટાર્સ ફૂટબોલ જર્સી પહેરેલા જોવા મળ્યા
લોર્ડ્સ ટેસ્ટ મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ થોડા દિવસ આરામ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ 20 જુલાઈએ માન્ચેસ્ટર પહોંચી હતી. જ્યાં ટીમે પ્રેક્ટિસ કરતા પહેલા પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના ખેલાડીઓને મળવાનું નક્કી કર્યું. આ બંને ટીમોના જર્સી સ્પોન્સર એડિડાસ છે. તેણે બંને ટીમોના ખેલાડીઓનો પરિચય કરાવ્યો. એડિડાસે આ મુલાકાતનો ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. ભારતીય કોચ ગૌતમ ગંભીર અને માન્ચેસ્ટર યુનાઈટેડના કોચ રુબેન એમોરીમે પણ એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હેરી મેગ્વાયર સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
મોહમ્મદ સિરાજ ફૂટબોલ મેદાન પર ક્રિકેટ રમ્યો
આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હેરી મેગ્વાયર સાથે ક્રિકેટ પણ રમી રહ્યો હતો. જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને વાઈસ-કેપ્ટન રિષભ પંત આ દરમિયાન ગોલ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રિષભ પંતે આ ક્લબના મોટા સ્ટાર બ્રુનો ફર્નાન્ડિસને પોતાનું બેટ પણ ભેટમાં આપ્યું હતું. જેના પર તેણે પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આ દરમિયાન સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હેરી મેગ્વાયર અને મેસન માઉન્ટ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બુમરાહ પણ આ ફૂટબોલ ક્લબનો મોટો ફેન છે.

