IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, સિરીઝમાંથી બહાર થયો આ ઓલરાઉન્ડર

માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં ઈજાઓનો સિલસિલો નથી અટકી રહ્યો. અર્શદીપ સિંહ પછી, હવે ઓલરાઉન્ડર નીતિશ કુમાર ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. જીમ સેશન દરમિયાન ઘૂંટણની ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
રવિવારે જીમમાં ટ્રેનિંગ દરમિયાન આ યુવા ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી, તેનું સ્કેન કરવામાં આવ્યું, જેમાં લિગામેન્ટને ઘણું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું. નીતિશ કુમારની ઈજાથી ભારતીય ટીમની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે.
ભારત 1-2થી પાછળ છે
પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ હાલમાં 1-2થી પાછળ છે. ટીમ પહેલાથી જ અર્શદીપ સિંહ અને આકાશ દીપની ઈજાઓથી ચિંતિત છે. 23 જુલાઈથી શરૂ થનારી માન્ચેસ્ટર ટેસ્ટમાંથી બંને ફાસ્ટ બોલરો બહાર થઈ જશે તે લગભગ નક્કી છે.
ટીમમાં કંબોજનો સમાવેશ
આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટે હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજને બેકઅપ તરીકે ઈંગ્લેન્ડ બોલાવ્યો છે. તે ટૂંક સમયમાં ટીમમાં જોડાશે. નીતિશ કુમાર રેડ્ડી વિશે વાત કરીએ તો, તેને હેડિંગલી ખાતે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં નહતું સ્થાન મળ્યું.
રેડ્ડી નિષ્ફળ ગયો
જોકે, મેનેજમેન્ટે તેને એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કર્યો હતો, જે ભારતે 336 રનથી જીતી હતી. રેડ્ડી બીજી ટેસ્ટમાં ખૂબ કંઈ ખાસ ન કરી શક્યો, તેણે પહેલી ઈનિંગમાં 6 બોલમાં 1 રન બનાવ્યો હતો, જ્યારે બીજી ઈનિંગમાં પણ તે 2 બોલમાં 1 જ રન બનાવી શક્યો હતો. બોલિંગની વાત કરીએ તો તે મેચમાં એક પણ વિકેટ નહતો લઈ શક્યો.
બેટિંગની ઘણી ટીકા થઈ હતી
જોકે, લોર્ડ્સ ટેસ્ટમાં, આ ઓલરાઉન્ડરે ઉત્તમ બોલિંગ બતાવી અને પ્રથમ ઈનિંગમાં એક જ ઓવરમાં ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ અને ઝેક ક્રોલીને આઉટ કર્યા હતા. પરંતુ, તે બેટિંગમાં કોઈ કમાલ ન કરી શક્યો. ચોથી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે તેની ધીમી ઇનિંગની ઘણી ટીકા થઈ હતી.

