VIDEO: પત્તાની જેમ ધરાશાયી થઈ ટીમ ઈન્ડિયા! જો રૂટની ધમાકેદાર ઈનિંગ સામે ભારત કેમ હાર્યું? જાણો 5 કારણો
શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા યજમાન ટીમ સામે માત્ર 234 રનનો સામાન્ય ટાર્ગેટ રાખ્યો હતો. આજના મોર્ડન ડે ક્રિકેટ પ્રમાણે આ સ્કોર ઘણો નાનો છે. કાર્ડિફની પીચ પર ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જોકે વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ માટે આ રનચેઝના હીરો જો રૂટ રહ્યા હતા, જેણે 99 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતે એક સમયે ઇંગ્લેન્ડની 5 વિકેટ 125 રન પર પાડી દીધી હતી, છતાં ટીમ ઇન્ડિયા જીત મેળવી શકી નહીં.
અહીં જાણો ભારતની હારના 5 મોટા કારણો
1. રોહિત શર્માએ નિરાશ કર્યા
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. આનું મુખ્ય કારણ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા રહ્યા. 2025 ચેમ્પિયન્સ ટ્રોફી સુધી રોહિત શર્મા ખૂબ જ આક્રમક અંદાજમાં ઇનિંગની શરૂઆત કરતા હતા, પરંતુ કેપ્ટનશીપ ગયા પછી તેના સ્ટ્રાઇક રેટમાં ઘણો ઘટાડો આવ્યો છે. મોટો સ્કોર બનાવવાની લ્હાયમાં તેઓ પોતાની ઇનિંગને તે પ્રકારની શરૂઆત આપી શકતા નથી જેના માટે તેઓ જાણીતા છે. કાર્ડિફમાં બીજી વનડેમાં તેઓ 26 રન બનાવીને આઉટ થયા હતા. આ માટે તેમણે 47 બોલનો સામનો કર્યો હતો, જેમાં 1 ચોગ્ગો અને 1 જ સિક્સર સામેલ હતી. રોહિતે ફરી એકવાર ચાહકોના દિલ તોડ્યા. એવા અહેવાલો છે કે 19 જુલાઈએ રમાનારી ત્રીજી વનડે રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે, જે લોર્ડ્સના મેદાન પર રમાશે.
2. કોહલી આઉટ થતાં જ ટીમ ઇન્ડિયા ડૂબી
રોહિત શર્મા, શુભમન ગિલ અને ઇશાન કિશન આઉટ થયા પછી ભારતનો સ્કોર 3 વિકેટે 111 રન હતો. કોહલીએ શ્રેયસ અય્યર સાથે મળીને ઇનિંગને સંભાળી હતી. બંને ખેલાડીઓ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા અને ટીમ ઇન્ડિયાને મોટા સ્કોર તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જેવી 32મી ઓવરમાં જોફ્રા આર્ચરે વિરાટ કોહલીને આઉટ કર્યો કે તરત જ ભારતીય ટીમ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ.
3. 55 રનમાં છેલ્લી 7 વિકેટ પડી
કોહલીની વિકેટ 32મી ઓવરમાં 178 રનના સ્કોર પર પડી હતી. આ પછી 44મી ઓવરના અંત સુધીમાં તો ભારતીય ટીમ ઘૂંટણિયે આવી ગઈ હતી. 233 રનના સ્કોર પર ભારતે આત્મસમર્પણ કરી દીધું હતું. ઇંગ્લેન્ડે 12 ઓવરની અંદર ભારતના 7 બેટ્સમેનોને આઉટ કરીને આખી ટીમને સમેટી લીધી હતી. અગાઉની મેચના હીરો અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર પણ આ વખતે ચાલી શક્યા નહીં. જ્યારે શિવમ દુબે તો પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો. છેલ્લે જસપ્રિત બુમરાહે 13 બોલમાં અણનમ 20 રનની ઇનિંગ રમી, જેના કારણે ટીમ 233 રન સુધી પહોંચી શકી, નહીં તો ભારતીય ટીમ આ પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ હોત.
4. ફિનિશરની કમી
હાર્દિક પંડ્યાની ખોટ ભારતને લિમિટેડ ઓવર ક્રિકેટમાં ખૂબ જ નડી રહી છે. ઈજાગ્રસ્ત હોવાને કારણે તેઓ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝનો ભાગ નથી. તેમના રિપ્લેસમેન્ટ નીતિશ કુમાર રેડ્ડી પણ ઇજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં શિવમ દુબેને તક આપવામાં આવી છે. દુબેનું પ્રદર્શન ટી20 ક્રિકેટમાં તો શાનદાર છે, પણ જ્યારે વનડેની વાત આવે છે ત્યારે તેમણે અત્યાર સુધી માત્ર નિરાશ જ કર્યા છે. 6 મેચ પછી વનડેમાં દુબેની એવરેજ માત્ર 8.6 ની છે. વનડેમાં 5માં નંબર પછી ભારત પાસે કોઈ ભરોસાપાત્ર બેટ્સમેન નથી. આ મેચમાં કેએલ રાહુલ પણ બીમાર હોવાને કારણે રમી શક્યા ન હતા. તેમની જગ્યાએ આવેલા ઇશાન કિશને પણ માત્ર 1 રન બનાવીને નિરાશ કર્યા હતા.
5. ભારતીય બોલરો પાસે જો રૂટનો કોઈ તોડ નહીં
234 રનના પીછો દરમિયાન જ્યારે ભારતે 125 રનના સ્કોર પર અડધી ઇંગ્લિશ ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી, ત્યારે જીતની થોડી આશા જાગી હતી. પરંતુ જો રૂટ હજુ પણ ક્રીઝ પર હાજર હતો. દરેક વ્યક્તિ જાણતું હતું કે જ્યાં સુધી રૂટ ક્રિઝ પર છે ત્યાં સુધી ઇંગ્લેન્ડ મેચમાંથી બહાર નથી થયું. ઇંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેને લોઅર ઓર્ડરના બેટ્સમેનો સાથે ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. ઇંગ્લેન્ડે 44.1 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. રૂટ 99 રન બનાવી અણનમ રહ્યા હતા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

