Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 6 floor building collapses like a card, rescue begins as people are feared buried

VIDEO:સુરતમાં 6 માળની બિલ્ડિંગ તાશના પત્તાની જેમ ધરાશાયી, દટાઈ જતાં 1નું મોત, રેસ્ક્યુ માટે લેવાઈ NDRF-SDRFની મદદ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2024
લાઇવ ટીવીGoogle News

સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદમાં ઝાડની સાથે જર્જરિત મકાન ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલા ડીએમનગરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં અંદાજે 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ બિલ્ડીંગના કાટમાળ નીચે વધુ સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકાએ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળ નીચે એકનું મોત થયાનું સામે આવ્યું છે.

App Store

મારો ભાઈ મળતો નથી

એક યુવકે કહ્યું કેે, મારો ભાઈ બિલ્ડિંગમાં દબાઈ ગયો છે. તેનું નામ સાહિલ છે અને તેની ઉમર 17 વર્ષ છે. અંદાજીત 10 લોકો તો હશે જ, પૂરી બિલ્ડિંગમાં 9 રૂમમાં લોકો રહેતા હતા, બે રૂમ નીચે, તેની ઉપર 6 રૂમ અને તેની ઉપર એક રૂમ, ત્રીજા માળે જે મહિલા હતી તે બચી ગયી છે. મારા ભાઈ પાસે મોબાઈલ નથી, તેના પડોશમાં એક મહિલા રહે છે, તેનું નામ મને નથી ખબર તે પણ અંદર છે.

NDRF-SDRFની મદદ લેવાઈ

કલેક્ટર સૌરભ પારઘીએ કહ્યું કે, સચિન જીઆઈડીસીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણકારી મળી હતી.અહી ફાયર, પોલીસ સહિતની તમામ ટીમો કાર્યરત છે. રેસ્ક્યૂની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. એક મહિલાનું રેસ્ક્યૂ પણ કરી લેવામાં આવ્યું છે. આજુબાજુના રહીશોના કહેવા મુજબ હવે કોઈ અન્ય બાકી રહેવાની શક્યતા નથી. તેમ છતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુમાં છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ પણ અહીં બોલાવી લેવામાં આવી છે.

મહિલા દોડી આવી

રાધા એપેરેલ પાર્કમાં નોકરી કરતી મહિલા કામદાર રાધા મહંતો પરિવાર સાથે આ બિલ્ડિંગમાં રહેતી હતી. રાધાના પતિ ડ્યુટી કરી ઘરે આરામ કરી રહ્યાં હતાં ત્યારે આ બિલ્ડિંગ તૂટી પડી હતી. રાધાના પતિ બિલ્ડિંગના કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં રાધા એપેરલ પાર્કથી દોડી આવી છે. હજુ સુધી તેને તેના પતિની કોઈ ભાળ મળી નથી.

2016માં બિલ્ડિંગ બન્યું હતું

મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.

રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે

પાલિકાના વોર્ડ નં. 30માં પાલી ગામ ખાતે ડીએમ નગરમાં 6 માળનું બિલ્ડિંગ મેઈન્ટેનન્સના અભાવે ધરાશાયી થયું છે. આ બિલ્ડિંગના કાટમાળમાં 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટનામાં એક મહિલાને ઈજા થતા તેને સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર, મેયર, ડેપ્યુટી મેયર, ઝોન બીના અધિકારીઓ અને કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. દરમિયાન રાત્રિના અંધારામાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવા કલેક્ટરની સૂચનાને પગલે હેવી લાઈટ ફોક્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

તંત્ર ઘટના સ્થળે

સમગ્ર ઘટનાને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે. ત્યારે આ બિલ્ડિંગ ક્યા કારણોસર ધરાશાયી થઈ તે અંગે તપાસનો વિષય છે.