ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીત્યો, હાર્દિક પંડ્યા અને બુમરાહે હારેલી બાજી જીતાડી
ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બાર્બાડોસના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ

ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બાર્બાડોસના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 176 રન બનાવ્યા. પરિણામે આફ્રિકાને મેચ જીતવા 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 169 રન જ બનાવી શકી હતી. પરિણામે ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, 2007માં ધોનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો. હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, અર્શદિપ સિંહ, વિરાટ કોહલી જીતના હિરો રહ્યા હતા.
હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી
હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. હાર્દિક 3 ઓવરમાં 20 રન આપીને ત્રણ હત્ત્વની વિકેટ મેળવી હતી. જ્યારે બુમરાહ અને અર્શદિપને બે-બે સફળતા મળી હતી.
હેનરિક ક્લાસેને ક્લાસિક ઈનિંગ એળે ગઈ
હેનરિક ક્લાસેને આક્રમક ફિફ્ટી ફટકારી હતી. 23 બોલમાં હાફ સેન્ચુરી મારી હતી. ક્લાસેને 27 બોલમાં 5 છગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.
ડી કોક 39 રન બનાવીને અર્શદિપનો શિકાર બન્યો
ક્વિન્ટન ડી કોક 31 બોલમાં 1 સિક્સ અને 4 ફોરની મદદથી 39 રન બનાવ્યા હતા. ડી કોક આઉટ થતા ભારતીય ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
આફ્રિકાએ પાવરપ્લેમાં 42 રન બનાવ્યા
સાઉથ આફ્રિકાએ પાવરપ્લેમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે બે વિકેટ ગુમાવી હતી.
કેપ્ટન માર્કરમ 4 રન બનાવીને આઉટ
ત્રીજી ઓવરમાં અર્શદીપસિંહે ટીમ ઈન્ડિયાને બીજી સફળતા અપાવી હતી. કેપ્ટન એડન માર્કરામને શિકાર બનાવ્યો હતો. માર્કરામ પણ 4 રન બનાવીને આઉટ થયો હતો.
બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી
177 રનના ટાર્ગેટની પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ રીઝા હેન્ડ્રીક્સ 4 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. બુમરાહે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી.
કોહલીએ આ વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી ફટકારી
વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી ફટકારી છે. તેણે કરિયરની 38મી અડધી સદી ફટકારી હતી. કોહલીએ 59 બોલમાં 2 સિક્સ અને 6 ફોરની મદદથી 76 રન બનાવ્યા હતા.
ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલે રંગ રાખ્યો
રોહિત-પંત અને સૂર્યા આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યારે કોહલી અને અક્ષર પટેલે 50થી વધુ રનની ભાગીદારી કરીને ટીમને સંક્ટ સમયમાંથી બહાર કાઢી હતી. અક્ષરે 31 બોલમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં 45 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં ત્રણ વિકેટના નુકસાને 45 રન બનાવ્યા હતા. જ્યારે મહારાજે બે અને રબાડાએ એક વિકેટ ખેરવી હતી.
સૂર્યકુમાર યાદવ પણ ત્રણ રન બનાવીને આઉટ
સૂર્યકુમાર યાદવ પણ ત્રણ રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો છે. પાંચમી ઓવરમાં રબાડાએ સૂર્યાને શિકાર બનાવ્યો હતો.
કેશવે ભારતને ઉપરાછાપરી બે ઝટકા આપ્યા
રોહિત શર્મા 9 રન બનાવીને આઉટ થયો. કેશવ મહારાજની ઓવરમાં બે ફોર ફટકારીને આઉટ થયો હતો. આજ ઓવરમાં રિષભ પંત પણ 0 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આમ મહારાજે ટીમ ઈન્ડિયાને એક જ ઓવરમાં બે ઝટકા આપ્યા હતા.
પ્રથમ ઓવરમાં જ વિરાટે ત્રણ ફોર મારી
પ્રથમ ઓવરમાં જ કોહલીએ આક્રમક બેટિંગ કરી હતી. કોહલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
રોહિત-કોહલી ઓપનિંગ કરવા આવ્યા
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરવા આવ્યા. વિરાટ કોહલીએ પ્રથમ ઓવરમાં જ બે ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય ટીમે ટોસ જીત્યો
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ટી-20 વર્લ્ડકપમાં પ્રથમવાર ટુર્નામેન્ટની અજેય ટીમ ચેમ્પિયન બનશે
ભારત અને સાઉથ આફ્રિકા બંને ટીમો અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપ 2024માં હારનો સ્વાદ ચાખ્યો નથી. પરિણામે આ ફાઈનલ મેચ મહત્ત્વની રહેશે. કેમ કે, અત્યાર સુધી T-20 વર્લ્ડ કપમાં એવી કોઈ ટીમ ચેમ્પિયન બની નથી, જેણે ટુર્નામેન્ટની એકપણ મેચ હારી ન હોય. આજે પહેલીવાર ટુર્નામેન્ટની અજેય ટીમ ચેમ્પિયન બનશે.
ટીમ ઈન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો
ટીમ ઈન્ડિયાએ અગાઉ 2007માં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારે આજે રોહિતની કેપ્ટનશિપમાં 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ જીતવાની તક છે.
ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલમાં
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. સૌપ્રથમ 2007 ટી-20 વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. સાત વર્ષ બાદ 2014ના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલમાં શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.
દક્ષિણ આફ્રિકા ટીમ: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઝ શમ્સી.








