Table Tennis: ગાંધીધામમાં 13 વર્ષ બાદ નેશનલ ટેબલ ટેનિસનો ધમધમાટ: માર્ચમાં રમાશે 87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર ચેમ્પિયનશિપ

Table Tennis: ગુજરાતના સ્પોર્ટ્સ જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટેબલ ટેનિસ એસોસિયેશનને (GSTTA) આગામી 87મી યુટીટી ઈન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા આગામી 23થી 31 માર્ચ દરમિયાન ગાંધીધામના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાશે.
ઐતિહાસિક આયોજન અને ઈનામી રકમ
ખાસ બાબત એ છે કે, ગાંધીધામમાં પૂરા 13 વર્ષ બાદ કોઈ નેશનલ લેવલની ટીટી ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ અગાઉ 2013માં આવી ઇવેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 5,11,200 રૂપિયાની ઇનામી રકમ રાખવામાં આવી છે. આ નેશનલ ઈવેન્ટ GSTTA અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (KDTTA)ના સંયુક્ત ઉપક્રમે યોજાશે.
ખેલાડીઓ અને કેટેગરી
આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે દેશના ખૂણેખૂણેથી 1200 કરતાં પણ વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ગાંધીધામ આવશે. કુલ 12 અલગ-અલગ કેટેગરીમાં રમત રમાશે, જેમાં અંડર-11, અંડર-13 અને અંડર-15 વયજૂથના બોયઝ અને ગર્લ્સ માટે સિંગલ્સ, ડબલ્સ અને ટીમ ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટનું સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ (Live વીડિયો) પણ કરવામાં આવશે.
રાજ્યમાં રમતનું મહત્ત્વ વધશે
GSTTAના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ આ આયોજન બદલ ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાયાના સ્તરથી રમતનો વિકાસ થાય તે માટે ગાંધીધામને આ જવાબદારી સોંપાઈ છે. આનાથી રાજ્યના આ પ્રાંતમાં રમતની લોકપ્રિયતા વધશે. સેક્રેટરી હરિ પિલ્લાઈએ ઉમેર્યું કે આયોજકો તમામ ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ સવલત પૂરી પાડવા અને આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ સાથે ટુર્નામેન્ટને સફળ બનાવવા કટિબદ્ધ છે.

