IND vs ENG / 'મારા હૃદયના ધબકારા...', કેપ્ટન સૂર્યાએ ફાઈનલમાં પહોંચ્યા બાદ કર્યો ખુલાસો

ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું અને ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે તે 8 માર્ચે ટાઈટલ માટે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ નિર્ણય તેના પક્ષમાં ન ગયો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે તેની નિર્ધારિત 20 ઓવરમાં 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની બેટિંગ સારી હતી, પરંતુ અંતે તે ફિનિશિંગ લાઈન પાર ન કરી શક્યા.
આ રન ચેઝમાં ઈંગ્લેન્ડની ટીમ માટે જેકબ બેથેલે સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. જોકે, તેની ઈનિંગ ટીમ માટે વિજય સુનિશ્ચિત કરવા માટે પૂરતી નહતી, કારણ કે ભારતે ઈંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું. આમ, ભારતીય ટીમ સતત બીજી એડિશનમાં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. દરમિયાન, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા પહેલીવાર ફાઈનલમાં પ્રવેશી હતી. કેપ્ટન સૂર્યા મેચ જીત્યા બાદ ખૂબ ખુશ દેખાતો હતો.
ફાઈનલમાં પહોંચ્યા બાદ કેપ્ટન સૂર્યાકુમાર યાદવે શું કહ્યું?
મેચ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે કહ્યું, "મને ખૂબ સારું લાગે છે કે અમે મેચ જીતી લીધી છે અને હવે અમે અમદાવાદમાં ફાઇનલ રમવા જઈ રહ્યા છીએ." સૂર્યાએ કહ્યું કે, "આજની પિચ બેટિંગ માટે ઉત્તમ હતી, પરંતુ બુમરાહ, અર્શદીપ અને અક્ષરે ખૂબ સારી બોલિંગ કરી." તેણે એમ પણ કહ્યું કે અક્ષરે જે રીતે કેચ ઝડપ્યો તેનો સંપૂર્ણ શ્રેય ફિલ્ડિંગ કોચને મળવો જોઈએ.
સૂર્યાએ એમ પણ કહ્યું કે તે બુમરાહ છેલ્લી ઓવરમાં ખૂબ જ નર્વસ હતો અને હૃદયના ધબકારા વધી ગયા હતા, પરંતુ અંતે, તે જીતથી ખુશ છે.
તેણે કહ્યું, "હું ખૂબ જ નર્વસ હતો. જો કોઈએ તે સમયે મારા હૃદયના ધબકારા ચેક કર્યા હોત, તો તે 160-175 હોત. પરંતુ તે રમતનો એક ભાગ છે. તે એક શાનદાર સેમીફાઈનલ હતી, અને હવે અમે ફાઈનલમાં પહોંચીને ખૂબ ખુશ છીએ."
શિવમ દુબેને પ્રમોટ કરવા અંગે સૂર્યાએ શું કહ્યું?
ભારતીય કેપ્ટને કહ્યું કે, "આ ટીમમાં ત્રીજા નંબરે બધું સેટ છે, તેથી અમે કંઈપણ બદલવા નહતા માંગતા. પરંતુ જ્યારે અમે જોયું કે રાશિદ એક છેડેથી બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે દુબે તેના માટે એક સંપૂર્ણ મેચ-અપ હતો. ભલે મેં છેલ્લી મેચમાં 50 કે 100 રન બનાવ્યા હોત, પરંતુ જો ટીમને આજે તે ફેરફારની જરૂર હોય, તો તે સાચો નિર્ણય હતો."
બુમરાહે છેલ્લી ઓવરમાં પોતાનો ક્લાસ બતાવ્યો
ઈંગ્લેન્ડને છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે 45 રનની જરૂર હતી અને જેકબ બેથેલ ક્રીઝ પર હતો. બુમરાહે 18મી ઓવરમાં ફક્ત 6 રન આપીને પોતાનો ક્લાસ બતાવ્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો, તેણે 19મી ઓવરમાં ફક્ત 9 રન આપ્યા અને સાથે સેમ કરનની વિકેટ પણ લીધી.
શિવમ દુબેને છેલ્લી ઓવરમાં 30 રન બચાવવાના હતા, તેથી બેટ્સમેન પર દબાણ હતું. પહેલા બોલ પર બેથેલના રન-આઉટથી દુબેનું કામ ઘણું સરળ થઈ ગયું. આર્ચરે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા, છતાં ઈંગ્લેન્ડની ટીમ 7 રનથી હારી ગઈ.
બુમરાહ વિશે સૂર્યાએ કહ્યું, "આપણે બધા જાણીએ છીએ કે તે શું કરી શકે છે અને તેણે વર્ષોથી ભારત માટે શું કર્યું છે. આજે તેણે ફરીથી તે કર્યું, જવાબદારી લીધી અને ઈંગ્લેન્ડની પાસેથી મેચ છીનવી લીધી. તે એક ખાસ બોલિંગ પ્રદર્શન હતું."
સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે 8 માર્ચે અમદાવાદમાં ટાઈટલ માટે ન્યુઝીલેન્ડનો સામનો કરશે.

