'અમે થોડા નર્વસ...', સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો

સંજુ સેમસનના અણનમ 97 રનના કારણે ભારતે T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. સુપર-8ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું અને ટોપ 4માં સ્થાન મેળવ્યું. મેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે ટીમ શાનદાર રમી અને તેને આવી જ મેચની અપેક્ષા હતી. સૂર્યાનું માનવું હતું કે 200 રન જેટલો ટાર્ગેટ સ્ટેડિયમની પરિસ્થિતિઓ મુજબ સારો હતો.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 195 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. અગાઉ, ટીમ ઈન્ડિયાએ ક્યારેય 180 રનથી વધુના ટાર્ગેટ ચેઝ નહતો કર્યો. ભારતે 196 રન બનાવ્યા, જે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો રન ચેઝ છે. આ મેચ પછી સૂર્યાએ ટીમની રણનીતિ પણ જાહેર કરી હતી.
સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન
વેસ્ટ ઈન્ડિઝ પર જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં બોલતા સૂર્યાએ કહ્યું, "મેચ જીતવાનો અનુભવ ખૂબ જ સારો છે. આ મેચ ક્વાર્ટર ફાઈનલ જેવી હતી. છોકરાઓએ જે જુસ્સો દર્શાવ્યો તે અદ્ભુત હતો. હું હંમેશા માનતો આવ્યો છું કે ધીરજવાન અને સારા લોકોને સારી વસ્તુઓ મળે છે. આ બધું છોકરાઓએ રમતી વખતે નહીં, પરંતુ બહાર રહીને કરેલી મહેનતનું પરિણામ છે અને આજે અમને તેનું ફળ મળ્યું છે. મને લાગે છે કે બધા બોલર્સે યોજના મુજબ બોલિંગ કરી."
સૂર્યાએ વધુમાં કહ્યું, "અમને ખબર હતી કે અહીં 200 રનનો સ્કોર સારો રહેશે. ઝાકળને કારણે બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો. અમારો પ્લાન મેચને અંત સુધી લઈ જવાનો હતો અને અમે અહીં પહોંચીને ખૂબ ખુશ છીએ. પહેલી મેચથી અમે જે પ્રકારની રમત બતાવી છે, તે જોતા અમે અહીં પહોંચવાને લાયક હતા. જોકે, અમે હમણા તેના વિશે નહીં વિચારીએ. અમે ફ્લાઈટ પકડીશું, મુંબઈ જઈશું અને જોઈશું કે આગળ શું કરીએ છીએ. અમે અત્યારે થોડા નર્વસ છીએ, અમારા પેટમાં થોડી અસ્વસ્થતા છે, પરંતુ અમે તેને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે મહત્ત્વનું છે."
સંજુ સેમસનના દમ પર મળી જીત
વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે પ્રથમ બેટિંગ કરતા 195 રન બનાવ્યા હતા. ભારતે સેમીફાઈનલ માટે ક્વોલિફાય થવા માટે તેના T20 વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કરવાનો હતો. સૂર્યા અને કંપનીએ આ કારનામું કર્યું અને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. સંજુ સેમસન જીતનો હીરો રહ્યો, તેણે 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ સાથે, ભારતે 5 વિકેટથી મેચ જીતી લીધી.

