શ્રીલંકાએ ટીમ ઈન્ડિયા સામે 27 વર્ષ બાદ વન-ડે સિરીઝ જીતી, ત્રીજી વન-ડેમાં ભારતની શર્મનાક હાર
ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કોલંબોમાં રમાઈ હતી. જેમ

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કોલંબોમાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 248 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ શ્રીલંકાએ વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે.
શ્રીલંકાએ આપેલા 249 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયો હતો. ગિલ આઉટ થતા એક પછી એક ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
દુનિથ વેલ્લાગે 5 વિકેટ ખેરવી
શ્રીલંકાના બોલરો સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાણીમાં બેસી ગયા હતા. સૌથી વધુ રોહિતે 35 રન બનાવ્યા હતા. ગિલ (6), કોહલી(20), પંત(6), અય્યર(8), અક્ષર(2), દુબે(9), પરાગ(15) રન બનાવ્યા હતા. જેમાં દુનિથ વેલ્લાગે 5 અને જેફરી વાંડરસેને 2 વિકેટ ખેરવી હતી.
અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રન ફટકાર્યા
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જેમાં અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રન ફટકાર્યા હતા. ઉપરાંત કુસલ મેન્ડિસે 59 રન બનાવ્યા હતા. જ્યારે પથુમ નિસાંકાએ 45 રનની ઇનિંગ રમી હતી.
ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામે વન-ડે શ્રેણી હારી હતી
ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામે વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારપછી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વન-ડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમ અજેય રહી છે. ત્યારે આજે શ્રીલંકાએ ચારિથ અસલંકાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હરાવ્યું છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, રેયાન પરાગ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની ટીમ: અવિષ્કા ફર્નાન્ડો, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, સાદિરા સમરાવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), જેનિથ લિયાનાગે, કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલ્લાગે, મહિષ તિક્ષિના, જેફરી વાંડરસે, અસિથા ફેરનન્ડો.








