મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું, સેમી ફાઇનલમાં હાર બાદ બનાવ્યો શરમજનક રેકોર્ડ

ICC વન ડે ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં કોઇ પણ ટીમે દક્ષિણ આફ્રિકા કરતા વધારે સેમીફાઇનલ

દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થયું, સેમી ફાઇનલમાં હાર બાદ બનાવ્યો શરમજનક રેકોર્ડ

ICC વન ડે ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં કોઇ પણ ટીમે દક્ષિણ આફ્રિકા કરતા વધારે સેમીફાઇનલ મેચ હારી નથી. દક્ષિણ આફ્રિકા 9 વખત ICC ટૂર્નામેન્ટની સેમીફાઇનલ મેચ હારી છે. દક્ષિણ આફ્રિકા બાદ સેમીફાઇનલમાં આઠ મેચમાં હારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે.

દક્ષિણ આફ્રિકાને હરાવી ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં

5 માર્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રને હરાવ્યું હતું. આફ્રિકાને જીતવા માટે 363 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 312 રન જ બનાવી શકી હતી અને આ રીતે ફરી એક વખત મોટા મુકાબલામાં આફ્રિકાની ટીમ ચોકર્સ સાબિત થઇ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ એક સમયે લડત આપે તેવી લાગતી હતી પણ મિડલ ઓર્ડર ફ્લોપ રહેતા અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 9 માર્ચે ભારત સામે ટકરાશે.

દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ સાબિત થઇ

ન્યૂઝીલેન્ડ સાથે આ હાર બાદ ફરી એક વખત સાબિત થઇ ગયું કે આફ્રિકન ટીમ ચોકર્સ છે. દક્ષિણ આફ્રિકાના ICC ટૂર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શન પર એક નજર કરીએ તો ખબર પડશે કે તેમ આ ટીમ ખરેખર ચોકર્સ સાબિત થઇ છે.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1992 વન ડે વર્લ્ડકપની સેમીફાઇનલ

દબાણ આગળ ઘૂંટણ નથી ટેક્યા પરંતુ નસીબે સાથ ના આપ્યો. રંગભેદને કારણે 21 વર્ષના પ્રતિબંધ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરેલી દક્ષિણ આફ્રિકા પાસે સારા ફાસ્ટ બોલર અને ફિલ્ડર હતા પરંતુ સેમીફાઇનલમાં વરસાદ પડ્યો અને તેને 7 બોલમાં 22 રનની જગ્યાએ હવે 1 બોલમાં 22 રન બનાવવાનો પડકાર મળ્યો હતો.

વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 1996 વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલ

તમામ ગ્રુપ મેચ જીત્યા બાદ હેન્સી ક્રોનિયેની ટીમનું પલડુ ભારે માનવામાં આવતું હતું પરંતુ બ્રાયન લારાની આક્રમક બેટિંગ બાદ રોજર હાર્પર અને જિમી એડમ્સની ફિરકીની જાળમાં દક્ષિણ આફ્રિકન બેટ્સમેન ફસાઇ ગયા હતા અને 19 રનથી મેચ હારી ગયા હતા.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1999 વર્લ્ડકપ સેમીફાઇનલ

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નિરાશાજનક મેચ. ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી રહેલા લાન્સ ક્લૂઝનર જેને 'ટ્રેઝેડી કિંગ' બનાવી દીધો. જીત માટે 214 રનના પડકારનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ અંતિમ ઓવરમાં 9 રન બનાવવાના હતા. અંતિમ જોડી ક્રીઝ પર હતી. ક્લૂઝનરે પ્રથમ બે બોલ પર બાઉન્ડ્રી ફટકારી પરંતુ આગળના બોલ પર એલન ડોનાલ્ડ રન આઉટ થઇ ગયો અને મેચ ટાઇ થઇ હતી. સુપર સિક્સ તબક્કામાં જીત મેળવવાને કારણે ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2007 વર્લ્ડકપ સેમીફાઇનલ

પ્રથમ બેટિંગનો દક્ષિણ આફ્રિકાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ગ્રીમ સ્મિથ, હર્ષલ ગિબ્સ, જેક્સ કાલિસ, એબીડી વિલિયર્સ અને માર્ક બાઉચર જેવા આક્રમક બેટ્સમેન હોવા છતા ટીમ 149 રનના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવર બાકી રહેતા મેચને જીતી લીધી હતી.

પાકિસ્તાન વિરૂદ્ધ 2009 ટી-20 વર્લ્ડકપ સેમીફાઇનલ

દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ભારતને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી પરંતુ શાહિદ આફ્રિદીની શાનદાર સ્પિન બોલિંગ સામે ટીમ 150 રનના પડકારનો પીછો પણ કરી શકી નહતી.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 2011 વન ડે વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલ

એબીડી વિલિયર્સ, ફાફ ડુ પ્લેસીસ, ગ્રીમ સ્મિથ, જેક્સ કાલિસ અને જેપી ડ્યુમિની જેવા દિગ્ગજ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 222 રનના પડકારને પાર કરી શક્યા નહતા. એક સમયે 25 ઓવરમાં 3 વિકેટે 108 રન બનાવ્યા બાદ આગામી 7 વિકેટ 64 રનમાં જ ગુમાવી દીધી હતી.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2013 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ

દક્ષિણ આફ્રિકાનો સ્કોર 8 વિકેટે 80 રન હતો જે બાદ ડેવિડ મિલ્લર અને રોરી ક્લેનવેલ્ટે તેને 175 રન સુધી પહોંચાડ્યો હતો. જોનાથન ટ્રોટના અણનમ 82 રનની મદદથી ઇંગ્લેન્ડે 12 ઓવર બાકી રહેતા મેચને સાત વિકેટે જીતી લીધી હતી.

ભારત વિરૂદ્ધ 2014 ટી-20 વર્લ્ડકપ સેમીફાઇનલ

ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 2015 વન ડે વર્લ્ડકપ સેમીફાઇનલ

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરોની સુવર્ણ પેઢી. દરેક વિભાગમાં ઉત્તમ પરંતુ તેમ છતા પણ સેમીફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે સેમીફાઇનલમાં હરાવીને દક્ષિણ આફ્રિકાનું દિલ તોડી નાખ્યું હતું.

નેધરલેન્ડ વિરૂદ્ધ 2022 ટી-20 વર્લ્ડકપ સુપર 12

સેમીફાઇનલથી એક જીત દૂર દક્ષિણ આફ્રિકન ટીમને નેધરલેન્ડે 13 રને હરાવીને ઉલટફેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2023 વન ડે વર્લ્ડકપ સેમીફાઇનલ

લીગ તબક્કામાં સારૂ પ્રદર્શન કર્યા બાદ અંતિમ ચારના મહત્ત્વના મુકાબલામાં ફરી એક વખત ચોકર સાબિત થયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ.

આ સમાચાર શેર કરો