દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું, સાધારણ બોલિંગ બાદ ભારતીય બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની બીજી મેચ ન્યૂ ચંડીગઢ સ્થિત મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું છે. ભારત આ મેચમાં 162 રન પર જ ઓલઆઉટ થઈ ગયું હતું.
ગિલ અને સૂર્યાનું ખરાબ પ્રદર્શન યથાવત
ભારતે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ શૂન્ય રન પર આઉટ થયો હતો જ્યારે સ્ટાર ઓપનર અભિષેક શર્મા 17 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન બનાવી શક્યા હતા. આઠમી ઓવરમાં ભારતને ચોથો ઝટકો પણ લાગ્યો હતો. અક્ષર પટેલ ડોનોવન ફરેરાના હાથે 21 રને કેચ આઉટ થયો.
સાઉથ આફ્રિકાનો વિશાળ સ્કોર
આજે ભારતના બોલર્સ સાઉથ આફ્રિકા સામે બરાબરના ધોવાયા હતા. 20 ઓવરમાં સાઉથ આફ્રિકાની ટીમે 4 વિકેટ ગુમાવી 213 રન ફટકાર્યા. જેમાં સૌથી વધુ ક્વિન્ટન ડીકોકે માત્ર 46 બોલમાં તાબડતોબ 90 રન ફટકાર્યા હતા. વરુણ ચક્રવર્તીએ 2, અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે જીતેશ શર્માની ઓવરમાં ડીકોક રનઆઉટ થયો હતો. આજની મેચમાં ભારતીય બોલર્સે કુલ 16 વાઈડ બોલ નાંખ્યા અને મફતમાં રન આપ્યા.
ડી કોક 90 રન બનાવીને રનઆઉટ
16મી ઓવરના પ્રથમ બોલ પર સાઉથ આફ્રિકાનો ધુરંધર બેટર ડી કોક 90 રન બનાવીને રનઆઉટ થયો, તેને 46 બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.
અર્શદીપ સિંહે 11મી ઓવરમાં 18 રન આપ્યા
ભારતના સ્ટાર બોલર અર્શદીપ સિંહે 11મી ઓવરમાં 18 રન આપ્યા હતા. તેણે આ ઓવરમાં 7 વાઈડ બોલ ફેંક્યા. અર્શદીપની ઓવરના પહેલા બોલ પર ડી કોકે 87 મીટર લાંબો છગ્ગો જડી દીધો હતો. જેના કારણે અર્શદીપ દબાણમાં આવી જતાં 7 વાઈડ બોલ ફેકયા હતા. કોચ ગૌતમ ગંભીર આ કારણે ગુસ્સામાં દેખાયા હતા.
રેકોર્ડ પર કરો નજર
બન્ને દેશ વચ્ચે કુલ 32 ટી20 મેચ રમાઈ છે જેમાંથી 19 ભારતે અને 12 સાઉથ આફ્રિકાએ જીતી છે. એક મૅચનું પરિણામ આવ્યું ન હતું. છેલ્લી સાત ટી-20માં 6 ભારતે અને 1 સાઉથ આફ્રિકાએ જીતી છે.
બંને ટીમની પ્લેઇંગ-11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિઝા હેન્ડ્રિક્સ, ડેવોલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, માર્કો યાન્સેન, જ્યોર્જ લિન્ડે, લુથો સિપામલા, લુંગી એનગિડી અને ઓટ્ટનીલ બાર્ટમેન.

