VIDEO: IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સમાં થઈ સૌરવ ગાંગુલીની વાપસી, ટીમમાં આ મોટી જવાબદારી સંભાળશે દાદા
દિલ્હી કેપિટલ્સની ટીમ ખૂબ જ મજબૂત લાગી રહી છે. તેમ છતાં, ફ્રેન્ચાઈઝી પ્લેઓફમાં સ્થાન નહતી મેળવી શકી. આના કારણે હેડ કોચ હેમાંગ બદાનીને દૂર કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ હવે તેના સ્થાને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટીમ JSWના માલિક પાર્થ જિંદાલના નિયંત્રણમાં પાછી આવી હોવાથી, મહાન ભારતીય કેપ્ટન અને ભૂતપૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ફ્રેન્ચાઈઝીમાં જોડાયો છે. ફ્રેન્ચાઈઝીએ તેને તેના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક
દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલ હવે આગામી બે વર્ષ માટે ફ્રેન્ચાઈઝીનું સંચાલન કરશે. તેની નિમણૂક સૌરવ ગાંગુલીની ટીમમાં વાપસી દર્શાવે છે. 2019માં, દિલ્હી કેપિટલ્સે ગાંગુલીને મેન્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. તેણે ત્યારબાદ મેન્સ અને વિમેન્સ બંને ટીમો માટે ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. જોકે, ફ્રેન્ચાઈઝીએ તેને પહેલીવાર દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
દાદાની ટીમમાં વાપસી પહેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પણ ટીમમાં પાછો ફર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રેન્ચાઈઝી રિષભ પંતને ફરીથી કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકે છે. આવી સ્થિતિમાં, કેએલ રાહુલ આ રેસમાં પાછળ રહી શકે છે. અક્ષર પટેલ કેપ્ટનશિપ ગુમાવી શકે છે. ગાંગુલી રિષભ પંતનો ફેન છે અને ફ્રેન્ચાઈઝી માલિક પણ પંતના મોટા ફેન્સ છે, જેનો તેને ફાયદો થઈ શકે છે.
સૌરવ ગાંગુલી એક મોટી ટીમ લાવી શકે છે
ફ્રેન્ચાઈઝી તરફથી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળ્યા પછી, દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું, "હું IPLમાં હેડ કોચની ભૂમિકા નિભાવવા માટે ઉત્સાહિત છું. દિલ્હી કેપિટલ્સ ટીમ મારા હૃદયની નજીક છે અને વર્ષોથી મારો તેની સાથે ગાઢ સંબંધ રહ્યો છે. મેં ટીમ માલિકો, મેનેજમેન્ટ, સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ સાથે નજીકથી કામ કર્યું છે. અમારી પાસે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને ભૂતકાળમાં સારું ક્રિકેટ રમ્યા છીએ."

