સિલેક્ટર્સને પત્ર લખવા છતાં સૂર્યકુમાર યાદવને ટીમમાં ન મળ્યું સ્થાન, ચીફ સિલેક્ટરે જણાવ્યું કારણ

ભારતને આ જ વર્ષે પોતાની કેપ્ટનશિપ હેઠળ T20 વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી. તેને ટીમમાંથી બહાર કરીને શ્રેયસ અય્યરને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. હવે સૂર્યકુમારને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં પણ સ્થાન નથી મળ્યું. સિલેક્ટર્સે તેની વિનંતી છતાં પણ તેને ટીમમાં સ્થાન ન આપ્યું.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સિલેક્શન કમિટીએ ચંદીગઢ સામે રમાનારી રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સૂર્યકુમારને સ્થાન ન મળ્યું. આ ત્યારે થયું છે જ્યારે સૂર્યકુમારે પત્ર લખીને સિલેક્ટર્સને જણાવ્યું હતું કે, 'હું પસંદગી માટે ઉપલબ્ધ છું.' એક રિપોર્ટમાં આ વાતની જાણકારી સામે આવી છે.
આ છે કારણ
રિપોર્ટ પ્રમાણે સૂર્યકુમારે સિલેક્ટર્સને પત્ર લખીને રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેમ છતાં પણ તેની પસંદગી ન કરવામાં આવી. MCAના ચીફ સિલેક્ટર રાજેશ પવારે આની પાછળ તર્ક આપતા કહ્યું કે, સૂર્યકુમારે લાંબા સમયથી લાલ બોલથી ક્રિકેટ નથી રમી અને એવામાં તે ઈચ્છે છે કે સૂર્યકુમાર કેટલીક મેચ લાલ બોલથી રમીને લય હાંસલ કરી લે.
તેણે કહ્યુ કે, "તે ચોક્કસપણે મોટો ખેલાડી છે અને મુંબઈ માટે પોતાને સાબિત કરી ચૂક્યો છે. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ લાલ બોલથી રમતા-રમતા લય મેળવી લે. તેણે છેલ્લા 18 મહિનાથી લાલ બોલથી ક્રિકેટ નથી રમી. તેથી અમે ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ રમે અને પછી તે ટીમમાં આવી શકે છે."
શાર્દુલ ઠાકુર બહાર, મ્હાત્રે વાઈસ કેપ્ટન
આ ટીમમાં સૂર્યકુમાર સિવાય એક બીજું નામ છે જે સામેલ નથી, અને તે છે શાર્દુલ ઠાકુરનું. ઠાકુર આ સમયે આંગળીની ઈજામાંથી ઉભરી રહ્યો છે. ટીમની કેપ્ટનશીપ સિદ્ધેશ લાડને સોંપવામાં આવી છે જ્યારે પોતાની કેપ્ટનશિપમાં ભારતને આ જ વર્ષની શરૂઆતમાં અંડર-19 વિશ્વ વિજેતા બનાવનારા આયુષ મ્હાત્રેને વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે જેથી તે ન્યુઝીલેન્ડ પ્રવાસની તૈયારી કરી શકે.
સરફરાઝ ખાન અને તેના ભાઈ મુશીર ખાન બંનેને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ટીમમાં શમ્સ મુલાનીનું નામ પણ સામેલ છે. તુષાર દેશપાંડે, તનુષ કોટિયાનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
મુંબઈની ટીમ: સિદ્ધેશ લાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે (વાઈસ કેપ્ટન), દિવ્યાંશ સક્સેના, મુશીર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તાામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયાન, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, ઓમકાર તારમલે.

