મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વેસ્ટ ઈન્ડિઝ સામે સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ, સતત 7 બોલમાં સાત બાઉન્ડ્રી, બનાવ્યા આટલા રેકોર્ડ

ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે રમેલી ત્રણ મેચની T20 સિરીઝને 2-1થી જીતી લીધી છે. ગુરુવારે રમાયેલી ત્રીજી

વેસ્ટ ઈન્ડિઝ સામે સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ, સતત 7 બોલમાં સાત બાઉન્ડ્રી, બનાવ્યા આટલા રેકોર્ડ

ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે રમેલી ત્રણ મેચની T20 સિરીઝને 2-1થી જીતી લીધી છે. ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 60 રને હરાવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમે પહેલી મેચ 49 રને જીતી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજી મેચમાં નવ વિકેટથી જીત મેળવી હતી. હવે બંને ટીમો ફરી એકવાર વનડે સિરીઝમાં આમને-સામને થશે. જે 22મી ડિસેમ્બરથી શરૂ થશે.

આ પણ વાંચો: મેલબર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લાગ્યો ઝટકો, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની મેચ નહીં રમે આ ફાસ્ટ બોલર!

સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન

ભારતની કાર્યકારી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વિસ્ફોટક ઈનિંગ રમીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. મંધાનાએ 47 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન મંધાનાએ સતત 7 બોલમાં 7 બાઉન્ડ્રી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ ત્રીજી અને ચોથી ઓવર દરમિયાન સતત 7 બોલમાં 7 બાઉન્ડ્રી ફટકારવાનું પરાક્રમ કર્યું. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 163.82 રહ્યો હતો.

મંધાનાની સતત ત્રીજી અડધી સદી અને રિચા ઘોષની T20Iમાં સૌથી ઝડપી અડધી સદીના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં પોતાનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. ભારતે યુએઈ સામેના 201 રનના સ્કોરને પાછળ છોડી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ઈનિંગમાં ભારતે ચાર વિકેટે 217 રન બનાવ્યા હતા.

પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો

આ સિરીઝમાં સ્મૃતિ મંધાનાને સતત ત્રણ મેચમાં અડધી સદીની શાનદાર ઈનિંગ્સ રમવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિરીઝમાં તેણે કુલ 193 રન બનાવ્યા હતા. પૂરી સિરીઝ દરમિયાન મંધાનાએ કુલ છ રેકોર્ડ બનાવ્યા હતા.

દ્વિપક્ષીય T20 સિરીઝમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન

સ્મૃતિ મંધાનાએ દ્વિપક્ષીય T20 સિરીઝમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ત્રણ મેચમાં 159.50ના સ્ટ્રાઈક રેટથી 193 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ઓપનિંગ બેટર અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મિતાલીએ ફેબ્રુઆરી 2018માં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 192 રન બનાવ્યા હતા.

મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

ભારતીય બેટર સ્મૃતિ મંધાના મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેણે આ વર્ષે રમાયેલી 23 મેચમાં 763 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે મંધાનાએ આ વર્ષે 21 મેચમાં 720 રન બનાવનાર શ્રીલંકાના કેપ્ટન ચામરી અટ્ટાપટ્ટબનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ વખત 50 પ્લસ રન 

એક કેલેન્ડર વર્ષમાં રમાયેલી મહિલા T20I મેચોમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ વખત 50 પ્લસ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે આઠમી વખત 77 રનની ઈનિંગ રમી હતી. આ કિસ્સામાં મંધાનાએ મિતાલી રાજને પાછળ છોડી દીધી હતી. જેણે 2018માં સાત વખત 50 પ્લસ રન બનાવ્યા હતા.

મહિલા T20I મેચોમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનારી બેટર 

આ સિવાય મંધાના મહિલા T20I મેચોમાં સૌથી વધુ 30 વખત 50 પ્લસ સ્કોર કરનારી બેટર પણ બની ગઈ હતી. આ બાબતમાં તેણે સુઝી બેટ્સને પાછળ છોડી દીધી છે, જેણે T20I મેચોમાં 29 વખત 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામે મહિલા T20Iમાં હાઈએસ્ટ સ્કોર 

વેસ્ટ ઈન્ડિઝ સામે મંધાનાએ 77 રન ફટકારીને મહિલા T20Iમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા કરવામાં આવેલો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો. તેણે જાન્યુઆરી 2023માં પૂર્વ લંડનમાં મહિલા T20 વર્લ્ડકપ દરમિયાન બનાવેલા અણનમ 74 રનનો પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં 100 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનારી પહેલી મહિલા બેટર

T20I ક્રિકેટમાં સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં 100 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનારી પહેલી મહિલા બેટર બની ગઈ છે. હવે તેના નામે એક કેલેન્ડર વર્ષમાં 104 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ મામલે તેણે હેલી મેથ્યુસને પાછળ છોડી દીધી હતી. જેણે ગયા વર્ષે 14 મેચમાં 99 ચોગ્ગા ફટકાર્યા હતા.

ભારતે 60 રનથી આ મેચ જીતી લીધી 

આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી અને ભારતે 60 રનથી આ મેચ જીતી લીધી હતી.

આ સમાચાર શેર કરો