IND vs AFG: શુભમન ગિલ અને ઈશાન કિશનનું મહાતોફાન: લખનઉમાં 400+ રન ખડકીને ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ!

ભારતીય ક્રિકેટ ટીમે લખનઉમાં અફઘાનિસ્તાન સામેની બીજી વનડે મેચમાં બેટિંગનું અદભુત પ્રદર્શન કરીને નિર્ધારિત 50 ઓવરમાં 402 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. બુધવારે (17 જૂન) કેપ્ટન શુભમન ગિલના શાનદાર 154 રન અને ઈશાન કિશનના વિસ્ફોટક 125 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ વનડે ક્રિકેટમાં 400થી વધુ રન બનાવવાનો પરાક્રમ 8મી વખત કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે જ ભારતે સાઉથ આફ્રિકાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે, જેણે વનડેમાં 8 વખત 400+ સ્કોર બનાવી ચૂકી છે. આ યાદીમાં ઇંગ્લેન્ડ 7 વખત અને ઓસ્ટ્રેલિયા 3 વખત 400થી વધુ રન બનાવી ચૂક્યું છે.
શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચે 224 રનની ભાગીદારી
લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ભારતની શરૂઆત સારી રહી નહોતી અને ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, રોહિત શર્માએ (48) કેટલાક આકર્ષક શૉટ્સ ફટકાર્યા હતા, પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા કેપ્ટન શુભમન ગિલે ઇનિંગને સંભાળી હતી અને ઈશાન કિશન સાથે મળીને ત્રીજી વિકેટ માટે માત્ર 141 બોલમાં 224 રનની ધમાકેદાર ભાગીદારી નોંધાવી હતી.
કેપ્ટન ગિલે લખનઉની કાળઝાળ ગરમી અને ક્રૅમ્પ્સ (સ્નાયુ ખેંચાવા) ની સમસ્યાથી ઝૂઝતા હોવા છતાં શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી અને 110 બોલમાં 154 રન ફટકારી દીધા હતા, જેમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. ગિલના વનડે કરિયરની આ 9મી સદી છે, જ્યારે કેપ્ટન તરીકેની આ પ્રથમ ODI સેન્ચુરી છે. બીજી તરફ, ઈશાન કિશને પણ અફઘાન બોલરોની ધજ્જિયા ઉડાવતા માત્ર 79 બોલમાં 125 રન ઠોકી દીધા હતા અને આશરે ત્રણ વર્ષ બાદ વનડેમાં સદીનો દુષ્કાળ ખતમ કર્યો હતો. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ઐતિહાસિક બેવડી સદી ફટકાર્યા બાદ વનડે ફોર્મેટમાં આ તેની પ્રથમ સદી છે.
અંતિમ ઓવરોમાં વિકેટો પડી, ખરોટી-રાશિદની સફળતા
જોકે, મધ્યમ ઓવરોમાં આ બંને સેટ બેટ્સમેન આઉટ થયા બાદ અંતિમ 10 ઓવરોમાં ભારતે સતત અંતરે 7 વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટીમ 400 રનના આંકડાની નજીક પહોંચી ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ડાબોડી સ્પિનર નાંગેયાલિયા ખરોટીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે સ્ટાર સ્પિનર રાશિદ ખાનને 3 સફળતા મળી હતી.
અફઘાનિસ્તાન સામે વનડે ક્રિકેટના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. આ યાદીમાં 2015માં પર્થમાં ઓસ્ટ્રેલિયા 417/6 ના સ્કોર સાથે ટોપ પર છે. હવે ભારતનો 402 રનનો આ સ્કોર આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
આંકડાની નજરે રેકોર્ડ્સ
ODI ફોર્મેટમાં સૌથી વધુ વખત 400+ રન બનાવનાર ટીમો
સાઉથ આફ્રિકા: 8 વાર
ભારત: 8 વાર
ઇંગ્લેન્ડ: 7 વાર
ઓસ્ટ્રેલિયા: 3 વાર
અફઘાનિસ્તાન સામે વનડેમાં સૌથી મોટા સ્કોર
1. ઓસ્ટ્રેલિયા: 417/6 (પર્થ, 2015)
2. ભારત: 402/10 (લખનઉ, 2026)
3. ઇંગ્લેન્ડ: 397/6 (મેન્ચેસ્ટર, 2019)
4. શ્રીલંકા: 381/3 (પલ્લેકેલે, 2024)

