IND vs SA / ટીમ ઈન્ડિયા માટે ગૂડ ન્યુઝ! કેપ્ટન શુભમન ગિલને હોસ્પિટલમાંથી મળી રજા

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને ઈડન ગાર્ડન્સ ખાતે સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે તેને ગરદનમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બીજી ઈનિંગમાં બેટિંગ નહતો કરી શક્યો. ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે સમાચાર આવી રહ્યા છે કે તેને રજા આપવામાં આવી છે. થોડા દિવસોમાં તેનો ટેસ્ટ કરવામાં આવશે અને જો તેની સ્થિતિમાં સુધારો થશે, તો તે ગુવાહાટીમાં સાઉથ આફ્રિકા સામેની શરમજનક હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે.
શુભમન ગિલની ઈજા અંગે મોટી અપડેટ
જ્યારે શુભમન ગિલ બીજા દિવસે બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે શોટ માર્યા બાદ તેને ગરદનમાં દુખાવો થયો. આ કારણે, તે ફક્ત ત્રણ બોલ રમ્યા પછી રિટાયર્ડ હર્ટ થઈ મેદાનની બહાર જતો રહ્યો હતો. આ પછી ગિલ બેટિંગમાં પાછો ન ફર્યો અને એવું સામે આવ્યું કે તેને વુડલેન્ડ્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની ગરદનની સારવાર કરવામાં આવી હતી અને BCCI એ અપડેટ આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ગિલને ઈન્ટર-સ્પાઈનસ લિગામેન્ટ ઈજા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટર્સે ભારતીય ટેસ્ટ કેપ્ટનને 2-3 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. ગિલ હાલમાં BCCIની મેડિકલ ટીમ સાથે હોટલમાં છે.
શું શુભમન ગિલ બીજી ટેસ્ટ રમશે?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થશે. આ મેચને હજુ પાંચ દિવસ બાકી છે અને અહેવાલો અનુસાર, ગિલ લગભગ બે દિવસ સુધી પરીક્ષણમાંથી પસાર થશે. જો તે સંપૂર્ણપણે ફિટ થઈ જાય અને તેની ગરદનનો દુખાવો દૂર થઈ જાય છે, તો તે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રમી શકે છે.
ગિલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરનો મુખ્ય ભાગ છે અને તેની ગેરહાજરી પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં અનુભવાઈ હતી. જ્યારે ટીમ ઈન્ડિયા 124 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ ગઈ અને 30 રનથી હારી ગઈ. હવે, ગિલ વાપસી કરીને સાઉથ આફ્રિકા સામેની શરમજનક હારનો બદલો લેવા માંગશે.

