શ્રેયસ અય્યરના પિતાએ ઓસ્ટ્રેલિયા ન જવાનો નિર્ણય લીધો, ડોક્ટરો પર ભરોસો વ્યક્ત કર્યો
હાલ શ્રેયસ અય્યરના ચાહકો તેના માટે ચિંતિત છે. કેમ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા

હાલ શ્રેયસ અય્યરના ચાહકો તેના માટે ચિંતિત છે. કેમ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સીરિઝની ત્રીજી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર ફિલ્ડિંગ દરમિયાન એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને તાત્કાલિક મેદાનમાંથી સિડનીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પાંસળીમાં ઈજા અને આંતરિક રક્તસ્રાવ હોવાનું નિદાન થયું હતું. જો તેને હોસ્પિટલમાં લઈ જવામાં વિલંબ થયો હોત તો તે જીવલેણ સાબિત થઈ શક્યો હોત.
'અમને ડોક્ટરો પર ભરોસો છે'
અય્યરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરે તેને તાત્કાલિક ICUમાં દાખલ કરાવ્યો હતો. જેના પછી સમાચાર આવ્યા હતા કે તેનો પરિવાર પણ સિડની ગયો છે. જોકે, હવે શ્રેયસના પિતા સંતોષ અય્યરનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયા ન જવાના નિર્ણયની પુષ્ટિ કરી હતી અને ડોક્ટરો પર ભરોસો વ્યક્ત કર્યો છે.
સિડનીની સર્વશ્રેષ્ઠ ડોક્ટર કરી રહ્યા છે શ્રેયસની સારવાર
શ્રેયસ અય્યરના પિતા સંતોષ અય્યરે ડેક્કન ક્રોનિકલ સાથે વાત કરતા તેમના પુત્રની ઈજા વિશે જણાવ્યું હતું કે, 'BCCI સતત તેની સારવાર પર નજર રાખી રહ્યું છે, અને તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. સિડનીમાં શ્રેષ્ઠ ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે, અને અમને આશા છે કે, આ અઠવાડિયાના અંત સુધીમાં તેને રજા આપવામાં આવશે. તે T20 ટીમનો ભાગ નથી, તેથી અમે આશા કરી રહ્યા છીએ કે, તે ટૂંક સમયમાં ઘરે પાછો ફરશે.'
આ ઉપરાંત કેટલાક રિપોર્ટ પ્રમાણે અય્યરના પરિવારને સિડનીથી તેના સ્વાસ્થ્ય અંગે નિયમિત અપડેટ મળી રહ્યા છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, શ્રેયસનો પરિવાર સિડની જવા રવાના થઈ શકે છે, અને BCCI તેમની મુસાફરી માટે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે.
સૂર્યાએ અય્યરની ઈજા વિશે આપ્યું આ અપડેટ
ભારતીય ટીમ 29 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની T20 સિરીઝ રમવાની છે, જેમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતાં જોવા મળશે. તો સીરિઝની પહેલી મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સૂર્યાને અય્યરની ઈજાને લઈને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે, 'જ્યારે મને તેની ઈજા વિશે ખબર પડી, ત્યારે મેં ફિઝિયો કમલેશ જૈન પાસે અપડેટ માંગ્યું. હાલમાં મારી અય્યર સાથે વાત થઈ, અને તે ઘણી સારી સ્થિતિમાં છે. ડોકટરો સતત અય્યર પર નજર રાખી રહ્યા છે, અને હજુ થોડા દિવસો સુધી તે ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. અમે તેને અમારી સાથે ઘરે લઈ જઈશું.'







