VIDEO: ICC T20 Rankingમાં શ્રેયસ અય્યરે લગાવી મોટી છલાંગ, ટોપ-100માં થઈ ભારતીય કેપ્ટનની એન્ટ્રી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે મેન્સ T20 ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ઈંગ્લિશ પ્લેયર્સનો આ T20 રેન્કિંગમાં દબદબો જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડના જેકબ બેથેલ T20 બેટ્સમેનોની યાદીમાં સાત સ્થાનની છલાંગ લગાવીને આઠમા નંબરે પહોંચી ગયો છે. તેણે ભારત સામેની બીજી મેચમાં 46 બોલમાં અણનમ 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે પાંચ મેચોની T20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે, જ્યારે સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. બીજી તરફ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન બેટિંગ રેન્કિંગમાં 12 સ્થાનના સુધારા સાથે 108માં સ્થાન પર પહોંચી ગયો છે. તે બોલિંગ રેન્કિંગમાં પણ 71મા નંબરે આવી ગયો છે. જ્યારે ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં તે છ સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે 13મા ક્રમે પહોંચી ગયો છે. સેમ કરને બીજી મેચમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રીજી મેચમાં અણનમ 41 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભારતને ત્રીજી મેચમાં 125 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જે T20I ઈતિહાસમાં રનની દૃષ્ટિએ ભારતની સૌથી મોટી હાર છે.
શ્રેયસ અય્યરની 425 ક્રમની મોટી છલાંગ
ભારતીય T20 ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે બેટ્સમેનોની યાદીમાં 425 ક્રમની મોટી છલાંગ લગાવી છે. તે હવે 93મા નંબરે આવી ગયો છે. આમ અય્યરની ટોપ 100માં એન્ટ્રી થઈ ગઈ છે. અય્યરની કેપ્ટનશિપની શરૂઆત ભલે સારી ન રહી હોય, પરંતુ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 68 રન બનાવીને તેણે પ્રભાવિત કર્યા હતા. તેણે બીજી મેચમાં 37 રન બનાવ્યા હતા, જોકે ત્રીજી મેચમાં તે માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. બીજી તરફ ભારતનો વિકેટકીપર ઈશાન કિશન નંબર-1 બેટ્સમેન છે. તેણે બીજી મેચમાં 49 રનની ઈનિંગ રમી હતી, પરંતુ નોટિંઘમમાં રમાયેલી મેચમાં તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. જ્યારે અભિષેક શર્મા બીજા ક્રમ પર યથાવત છે, જેણે ત્રીજી મેચમાં 13 રન બનાવ્યા હતા. આ સાથે જ T20 રેન્કિંગના ટોપ-10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીયો સામેલ છે, જેમાં તિલક વર્મા છઠ્ઠા સ્થાન પર યથાવત છે.
રાશિદ ખાન નંબર-1 બોલર
બીજી તરફ ઈંગ્લેન્ડના અનુભવી સ્પિનર આદિલ રાશિદ બોલિંગ રેન્કિંગમાં એક ક્રમના સુધારા સાથે ત્રીજા ક્રમ પર પહોંચી ગયો છે. તેણે નોટિંઘમમાં રમાયેલી મેચમાં માત્ર 14 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલર જોશ ટંગ આ મેચમાં ચાર વિકેટ લઈને 301માં ક્રમ પર આવી ગયો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બોલર છે. ઈંગ્લેન્ડના વિલ જેક્સે પણ આ સિરીઝમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેણે બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી, જેના કારણે તે ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ લગાવીને સાતમા ક્રમ પર પહોંચી ગયો છે. આ યાદીમાં ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા નંબર-1 ઓલરાઉન્ડર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી મેચ ગુરુવારે બ્રિસ્ટલમાં રમાશે.

