IND vs SA: ફાઈનલ મેચમાં શિવમ દુબેનું પત્તું કપાશે, શું ઓપનિંગમાં થશે બદલાવ? આવી હશે પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ આજે એટલે કે 29 જૂન શનિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. છેલ્લી ત્રણ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં છેલ્લો ફેરફાર અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8ની પ્રથમ મેચમાં કર્યો હતો, જેમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવને લેવામાં આવ્યો હતો. હવે ફાઈનલ મેચમાં શિવમ દુબેના રૂપમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ જોડીમાં પણ ફેરબદલ થઈ શકે છે. હકિકતે ફાઈનલ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા શિવમ દુબેને ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખી શકે છે. શિવમ દુબે વર્લ્ડ કપની પ્રથમ મેચથી જ પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહ્યો છે. પરંતુ ઓલરાઉન્ડર તરીકે તે કંઈ ખાસ કરી શક્યો નથી.
ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર ઓલરાઉન્ડર દુબે અત્યાર સુધી માત્ર બેટ્સમેન તરીકે જ રમ્યો છે. તેણે અમેરિકા સામેની મેચમાં માત્ર 1 ઓવર જ ફેંકી હતી. દુબેને બેટિંગ તક મળી પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે ભલે સ્પિનરો સામે કેટલાક મોટા શોટ ફટકાર્યા હોય પરંતુ ઝડપી બોલરો સામે સાવ ફેલ રહ્યો હતો.
દુબેની જગ્યાએ જયસ્વાલને મળી શકે છે તક
દુબેનું ખરાબ ફોર્મ જોતા યશસ્વી જયસ્વાલને ફાઇનલમાં તક મળી શકે છે. જયસ્વાલે આ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી. જો જયસ્વાલ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકશે તો રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. જ્યારે અત્યાર સુધીની મેચમાં ઓપનિંગ કરનાર વિરાટ કોહલી ત્રીજા નંબરે રમશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે છે કે નહીં.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.








