IND vs NZ / શિવમ દુબેએ ચોથી T20Iમાં બેટથી મચાવી ધમાલ, રોહિત શર્માના રેકોર્ડની કરી બરાબરી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની ચોથી મેચ 29 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની 50 રનથી કારમી હાર થઈ હતી, જેના કારણે શરૂઆતની ત્રણ મેચમાં હારનો સામનો કરી ચૂકેલી કિવી ટીમે આ સિરીઝમાં જીતનું ખાતું ખોલ્યું હતું. ટીમ ઈન્ડિયા આ મેચ હારી ગઈ હોવા છતાં શિવમ દુબે તેના બેટિંગ પ્રદર્શન માટે ચર્ચામાં છે. દુબેએ માત્ર 23 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે, તે મેચનું મુખ્ય આકર્ષણ હતું. શિવમ દુબેએ આ સાથે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી છે.
શિવમે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી
T20I ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેણે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ સામે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા અને ઓવરમાં કુલ 36 રન બનાવ્યા હતા. સંજુ સેમસન આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે 2024માં બાંગ્લાદેશી બોલર રિશાદ હુસૈન સામે એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા. શિવમ દુબે હવે આ યાદીમાં રોહિત શર્મા સાથે ત્રીજા સ્થાને છે. રોહિતે T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કની ઓવરમાં 28 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ હવે ન્યુઝીલેન્ડ સામે વિશાખાપટ્ટનમ T20I મેચમાં ઈશ સોઢીની ઓવરમાં 28 રન બનાવીને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે.
'મારી માનસિકતા સુધરી રહી છે'
ન્યુઝીલેન્ડ સામેની ચોથી T20I પછી શિવમ દુબેએ પોતાના બેટિંગ પ્રદર્શન વિશે વાત કરતા કહ્યું, "હું છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મહેનત કરી રહ્યો છું અને પરિણામો તમારી સામે છે. મારી માનસિકતામાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે હું પરિસ્થિતિના દૃષ્ટિકોણથી મારી જાતને જોઈ શકું છું અને શું થવાનું છે અને હું કયા બોલર્સનો સામનો કરીશ, તે હું સારી રતે જાણું છું. આનાથી મારા માટે જોખમ લેવાનું સરળ બને છે. હું ફાસ્ટ બોલર્સ સામે મોટા શોટ રમવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું મારી બોલિંગ પર સખત મહેનત કરી રહ્યો છું."

