મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મુશીરના અકસ્માત પછી સરફરાઝ ખાને તેના પિતાને આપ્યું હતું ખાસ વચન, બે દિવસમાં જ કર્યું પૂરું

ઈરાની કપમાં મુંબઈ તરફથી રમતા ભારતીય ટીમના બેટ્સમેન સરફરાઝ ખાને રેસ્ટ ઓફ ઈન્ડિયા સ

મુશીરના અકસ્માત પછી સરફરાઝ ખાને તેના પિતાને આપ્યું હતું ખાસ વચન, બે દિવસમાં જ કર્યું પૂરું

ઈરાની કપમાં મુંબઈ તરફથી રમતા ભારતીય ટીમના બેટ્સમેન સરફરાઝ ખાને રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ સાથે સરફરાઝે તેના પિતા અને પરિવારને આપેલું એક ખાસ વચન પૂરું કર્યું હતું.

ઈરાની કપના થોડા દિવસો પહેલા સરફરાઝનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ મેચ માટે તે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો ત્યારે તેની કાર પલટી ગઈ હતી. તેના પિતા નૌશાદ ખાન પણ કારમાં બેઠા હતા.

સરફરાઝે વચન આપ્યું હતું

મુશીર પણ આ ટૂર્નામેન્ટમાં સરફરાઝ ખાન સાથે રમવાનો હતો, પરંતુ ઈજાના કારણે તે ન રમી શક્યો. સરફરાઝે કહ્યું કે, ગત સપ્તાહ તેના માટે ખૂબ જ ભાવુક હતું અને તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે તે ઈરાની કપમાં બેવડી સદી ફટકારશે. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ મીડિયા સાથે વાત કરતા સરફરાઝે કહ્યું, "હા, તે મારા માટે ખૂબ જ ઈમોશનલ ક્ષણ રહી છે. મેં મારા પિતા અને સાથી ખેલાડીઓને કહ્યું હતું કે હું સેટ છું અને બેવડી સદી ફટકારીશ. એક સદી મારા માટે અને એક સદી મારા ભાઈ મુશીર માટે."

સરફરાઝે કહ્યું, "જો તે આ મેચમાં રમ્યો હોત તો અબ્બુને વધુ ગર્વ થયો હોત. કમનસીબે, તેનો અકસ્માત થયો હતો. તેથી મને લાગ્યું કે મારે આ મેચમાં બેવડી સદી ફટકારવી જોઈએ."

મુશીરને સંપૂર્ણ સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે

સરફરાઝે એ પણ જણાવ્યું કે મુશીરને સંપૂર્ણ સ્વસ્થ થવામાં કેટલો સમય લાગશે. તેણે કહ્યું, "મેં તેની સાથે વાત કરી છે. તે ઠીક છે, પરંતુ તેને સંપૂર્ણ સ્વસ્થ થતાં બે-ત્રણ મહિના લાગશે."

સરફરાઝ ઈરાની કપમાં બેવડી સદી ફટકારનાર મુંબઈનો પહેલો બેટ્સમેન છે. આ મેચમાં તેણે 222 રનની અણનમ ઈનિંગ રમી જેમાં 25 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેની શાનદાર ઈનિંગના કારણે મુંબઈએ પ્રથમ ઈનિંગમાં 537 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

આ સમાચાર શેર કરો