VIDEO: ઋષભ પંતને રનઆઉટ થતા બચાવવા માટે કૂદવા લાગ્યો સરફરાઝ, ડ્રેસિંગ રૂમમાં હસવા લાગી ટીમ
બેંગલુરુમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના

બેંગલુરુમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાન અને ઋષભ પંત વચ્ચે એક રસપ્રદ ઘટના બની. ભારત મુશ્કેલીમાં હતું અને ટીમને મોટી ભાગીદારીની જરૂર હતી. આવી સ્થિતિમાં સરફરાઝ ખાન અને ઋષભ પંત ક્રિઝ પર હતા, પરંતુ ઈનિંગની 56મી ઓવરમાં ઋષભ પંત બે રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થવાથી બચી ગયો હતો. વાસ્તવમાં સરફરાઝે જમ્પિંગ અને ડાન્સ કરીને પંતને રનઆઉટ થતા બચાવ્યો હતો.
હકીકતમાં મેચ દરમિયાન ઋષભ પંત અને સરફરાઝ ખાન વચ્ચે બીજો રન લેવા માટે મૂંઝવણ થઇ હતી. જેના કારણે પંત રનઆઉટ થતા બચી ગયો હતો. પંત બીજો રન લેવા માટે એવી રીતે દોડ્યો હતો કે તેણે નોન સ્ટ્રાઈક પર રહેલા સરફરાઝ તરફ જોયું પણ નહોતું અને તે સામેની તરફ દોડી રહ્યો હતો. તે જ સમયે પંતને રોકવા માટે સરફરાઝે જે કંઈ પણ કર્યું તેની હવે ચર્ચા થઈ રહી છે. જ્યારે પંત વારંવાર વિનંતી કરવા છતાં રોકાતો ન હતો, ત્યારે સરફરાઝે પિચ પર કૂદવાનું શરૂ કરી દીધું હતું. અને તે પંતને જોરથી રન ન લેવાનું કહી રહ્યો હતો. અંતે સરફરાઝનો અવાજ પંતના કાને પહોંચ્યો અને તે ઝડપથી તેની ક્રિઝની અંદર પાછો ફર્યો હતો. જોકે, ફિલ્ડરે થ્રો યોગ્ય કર્યો ન હતો. અને વિકેટકીપર પણ સ્ટમ્પથી દૂર હતો. જેના કારણે પંત રન આઉટ થતા બચી ગયો હતો.
આખી ભારતીય ટીમ લાગી હસવા
સરફરાઝે જે રીતે પિચ પર કૂદીને પંતને રોકવાનો પ્રયાસ કર્યો તે જોઈને રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પંતે સરફરાઝની આ હરકતને 'રેન ડાન્સ' ગણાવ્યો હતો. આ પહેલા સરફરાઝે કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 46 રન બનાવી શકી હતી. ત્યારબાદ કિવી ટીમે 402 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને ભારત પર 356 રનની લીડ મળી હતી. પછી બીજી ઇનિંગ માટે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 462 રન કરી આઉટ થઇ ગઈ હતી. અને ભારતે ન્યુઝીલેન્ડ જીતવા માટે 107 રનનું લક્ષ્ય આપ્યું હતું.
મેચ દરમિયાન થઈ હતી ઈજા
ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે વિકેટકીપિંગ દરમિયાન ઋષભ પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. બીજા દિવસે ધ્રુવ જુરેલ વિકેટકીપિંગના વિકલ્પ તરીકે તેના સ્થાને આવ્યો હતો, પરંતુ સારી વાત એ હતી કે, ઋષભ પંત ચોથા દિવસે બેટિંગ કરવા માટે તૈયાર હતો. ઈજા હોવા છતાં, તેણે 99 રનની ઇનિંગ રમીને ભારતને શરમજનક હારમાંથી બચાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હવે સીરિઝની પહેલી ટેસ્ટના પાંચમા દિવસે ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રન બનાવવા પડશે. પરંતુ રવિવારે બેંગલુરુમાં ભારે વરસાદની આશંકા છે, જેના કારણે આખો દિવસ વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.






