VIDEO: પહેલી IPL સદી સાથે રયાન રિકેલ્ટને કર્યું મોટું કારનામું, મુંબઈના ઓપનરે 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026ની સિઝન ભલે નિરાશાજનક રહી હોય, પરંતુ ટીમના કેટલાક ખેલાડીઓ માટે આ સિઝન સારી જઈ રહી છે. જેમાં એક છે ટીમનો સ્ટાર ઓપનર રયાન રિકેલ્ટન, જેણે IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. પોતાની આ પ્રથમ સદીથી જ રિકેલ્ટને એક રેકોર્ડ પણ બનાવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટીમમાં તક મળતાની સાથે જ રિકલ્ટને માત્ર 44 બોલમાં સદી ફટકારી દીધી. આ સાથે જ તેણે મુંબઈ માટે IPLમાં સૌથી ઝડપી સદીનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ક્વિન્ટન ડી કોકને ઈજા થતાં મળ્યો ચાન્સ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 29 એપ્રિલે 19મી સિઝનની 41મી મેચમાં રિકેલ્ટનની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. આ સિઝનની પાછળની સતત 2 મેચ હાર્યા બાદ રિકેલ્ટનની આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ હતી, કારણ કે ક્વિન્ટન ડી કોક ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. રિકેલ્ટને જેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ટીમને ધમાકેદાર શરૂઆત અપાવતા આ વિસ્ફોટક સદી ફટકારી.
સનથ જયસૂર્યાનો રેકોર્ડ તોડ્યો
રિકેલ્ટને વિલ જેક્સ સાથે મળીને ટીમને 93 રનની વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. તેણે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જેક્સના આઉટ થયા પછી પણ રિકેલ્ટનનું બેટ ચાલતું રહ્યું અને તેણે આખરે IPLમાં પોતાની પ્રથમ સદી પણ ફટકારી. તેણે માત્ર 44 બોલમાં આ કમાલ કરી બતાવી. આ સાથે જ તે મુંબઈ માટે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે સનથ જયસૂર્યાના 2008માં બનાવેલા રેકોર્ડને તોડ્યો, જેણે 45 બોલમાં આ પરાક્રમ કર્યું હતું. આ જ સિઝનમાં તિલક વર્માએ પણ 45 બોલમાં સદી સાથે તેની બરાબરી કરી હતી.
આ સિઝનમાં ત્રીજી સદી
ડાબા હાથનો બેટ્સમેન રિકેલ્ટન આ સિઝનમાં સદી ફટકારનારા મુંબઈના ત્રીજો બેટ્સમેન છે. મજાની વાત એ છે કે MI માટે ત્રણેય સદી આ વર્ષે ડાબા હાથના બેટ્સમેનોએ જ ફટકારી છે. સૌથી પહેલી સદી રિકેલ્ટનના જ ઓપનિંગ પાર્ટનર ક્વિન્ટન ડી કોકે ફટકારી હતી. તેની સદી પંજાબ કિંગ્સ સામે આવી હતી. ત્યારબાદ તિલક વર્માએ ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારી હતી. કુલ મળીને સતત 4 મેચમાંથી 3માં મુંબઈ તરફથી સદીઓ નોંધાઈ છે.

