PBKS vs RR / મેચ દરમિયાન થયો અકસ્માત, સ્ટેન્ડમાં બેઠેલા ફેનના મોં પર વાગ્યો બોલ; વૃદ્ધ વ્યક્તિ લોહીલુહાણ

IPLમાં મંગળવારે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ પંજાબ કિંગ્સ (PBKS) ને 6 વિકેટથી હરાવી આ સિઝનની તેની છઠ્ઠી જીત નોંધાવી છે. પંજાબના મુલ્લાંપુરમાં રમાયેલા આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી હતી, જેમાં બંને ઈનિંગ્સ મળીને કુલ 26 છગ્ગા લાગ્યા હતા.
સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા ફેનને વાગ્યો બોલ
જોકે, આ મેચ દરમિયાન એક દર્દનાક અકસ્માત પણ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયો અનુસાર, સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા એક શખ્સને બેટરનો જોરદાર શોટ વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વીડિયોમાં વ્યક્તિની આંખ પાસેના ભાગમાંથી પુષ્કળ લોહી નીકળતું જોવા મળી રહ્યું છે, જોકે આ બોલ કયા બેટરના શોટથી વાગ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી.
મુલ્લાંપુરના મેદાનમાં પંજાબની આક્રમક બેટિંગ
મુલ્લાંપુરમાં રમાયેલી આ મેચના સ્કોરની વાત કરીએ તો, પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ પસંદ કરીને 222 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. પંજાબ માટે પ્રભસિમરન સિંહે 59 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે માર્કસ સ્ટોઈનિસે તોફાની બેટિંગ કરતા માત્ર 22 બોલમાં 62 રન ફટકાર્યા હતા.
રાજસ્થાને 223 રનનો વિશાળ સ્કોર ચેઝ કરી પંજાબને હરાવ્યું
223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે શાનદાર શરૂઆત કરી હતી, જેમાં વૈભવ સૂર્યવંશીએ 43 રન અને યશસ્વી જયસ્વાલે 51 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. મેચના અંતિમ તબક્કામાં ડોનોવન ફરેરાએ 26 બોલમાં અણનમ 52 રન અને ઈમ્પેક્ટ પ્લેયર શુભમ દુબેએ માત્ર 12 બોલમાં 31 રનની આક્રમક ઈનિંગ રમીને રાજસ્થાનને વિજય અપાવ્યો હતો. આ પરાજયને કારણે આ સિઝનમાં પંજાબ કિંગ્સની જીતનો સિલસિલો તૂટ્યો છે.

