મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL-2024: RCBએ GTને હરાવીને મેળવી સતત ત્રીજી જીત, પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત

IPL 2024ની સૌથી વધુ ઉતાર-ચઢાવવાળી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 4 વિકેટે

IPL-2024: RCBએ GTને હરાવીને મેળવી સતત ત્રીજી જીત, પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત

IPL 2024ની સૌથી વધુ ઉતાર-ચઢાવવાળી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 4 વિકેટે હરાવ્યું અને સિઝનમાં સતત ત્રીજી  જીત નોંધાવી. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગલુરુના ફાસ્ટ બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી, ફાફ ડુ પ્લેસિસની વિસ્ફોટક ઇનિંગે બેંગલુરુની જીત સુનિશ્ચિત કરી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં અચાનક 6 વિકેટ ગુમાવ્યા બાદ હારનો ખતરો મંડરાઈ રહ્યો હતો. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે 14મી ઓવરમાં જ ટીમને જીત અપાવી હતી.

સિરાજ-યશ દયાલે GTને ઘૂંટણીયે લાવી દીધું


આ સિઝનની શરૂઆતથી જ પાવરપ્લેમાં સતત પીટાઈ રહેલી બેંગલુરુની બોલિંગે આ સિઝનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને બેકફૂટ પર મૂકી દીધું હતું. મોહમ્મદ સિરાજે બીજી અને ચોથી ઓવરમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલની વિકેટ લઈને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ છઠ્ઠી ઓવરમાં કેમરૂન ગ્રીને પણ સાઈ સુદર્શનની વિકેટ લીધી હતી. સુદર્શન આ સિઝનમાં ગુજરાતનો સૌથી સફળ બેટ્સમેન હતો,  પરંતુ તે પ્રથમ વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો.  ગુજરાત ટાઈટન્સ પાવરપ્લેમાં માત્ર 23 રન જ બનાવી શક્યું જે આ સિઝનનો સૌથી ઓછો સ્કોર હતો.

https://publish.twitter.com/?url=https://twitter.com/RCBTweets/status/1786778380744217059

કર્ણ શર્માએ ડેવિડ મિલરની વિકેટ લીધી

શાહરૂખ ખાન (37) અને ડેવિડ મિલર (30)ની ઈનિંગે ગુજરાત ટાઈટન્સના સ્કોરને આગળ ધપાવવાનું કામ કર્યું. બંને વચ્ચે 61 રનની ભાગીદારી બની હતી. કર્ણ શર્માએ ડેવિડ મિલરની વિકેટ લીધી, જ્યારે કોહલીએ શાહરૂખને ડાયરેક્ટ થ્રો પર રનઆઉટ કરીને  ગુજરાત ટાઈટન્સના રનોની ગતિ પર બ્રેક લગાવી. રાહુલ તેવટિયાએ (35) રનની ઈનિંગ રમી હતી. 

રાહુલ તેવટિયાની ઈનિંગ ગુજરાત ટાઈટન્સને મોટા સ્કોર સુધી લઈ જવા માટે પુરતું ન હતું. ગુજરાત ટાઈટન્સે 20મી ઓવરના પ્રથમ 3 બોલમાં છેલ્લી 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ ફક્ત 147 રન જ કરી શકી હતી. બેંગલુરુ તરફથી સિરાજ, વિજયકુમાર વૈશાક અને યશ દયાલે 2-2 વિકેટ લીધી હતી.

ડુપ્લેસીસ-કોહલીએ આવતાની સાથે જ બોલરોની ધોલાઈ શરૂ કરી

 બેંગલુરુએ એવી શરૂઆત કરી કે જેની ખુદ ટીમને પણ ભાગ્યે જ અપેક્ષા હશે. વિરાટ કોહલી (42) રનની ઈનિંગ રમી. પ્રથમ ઓવરમાં જ 2 સિક્સર ફટકારીને ઝડપી શરૂઆત અપાવી હતી અને પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. બેંગલુરુના કેપ્ટને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આ સિઝનમાં RCB દ્વારા સૌથી ઝડપી અડધી સદી પણ હતી. કોહલીએ યુવા સ્પિનર ​​માનવ સુતાર પર પણ સતત બે સિક્સર ફટકારી હતી. તેઓએ સાથે મળીને પાવરપ્લેમાં ટીમને 92 રન સુધી પહોંચાડી, જે IPLના ઈતિહાસમાં આરસીબીનો સર્વોચ્ચ સ્કોર છે.

25 રનમાં 6 વિકેટ પડી ગઈ છતાં બેંગુલુરુએ જીત દાખવી


અહીંથી બેંગલુરુની જીત નિશ્ચિત જણાતી હતી પરંતુ પછી અસલી ડ્રામા શરૂ થયો. છઠ્ઠી ઓવરમાં ડાબોડી ફાસ્ટ બોલર જોશ લિટલે 23 બોલમાં 64 રન (10 ચોગ્ગા, 3 છગ્ગા)ની વિસ્ફોટક ઇનિંગ રમનારા ડુપ્લેસીસની વિકેટ લીધી હતી. અચાનક વિકેટો પડવાની શરૂઆત થઈ. આરસીબીએ સતત 3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હતી, જેમાંથી 3 લિટલ દ્વારા લેવામાં આવી હતી. લિટલને તેની છેલ્લી ઓવરમાં કેમરન ગ્રીનને પણ આઉટ કર્યો હતો જ્યારે નૂર અહેમદે 11મી ઓવરમાં વિરાટની વિકેટ લીધી હતી.

બેંગલુરુએ માત્ર 25 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી અને મેચ રોમાંચક બની ગઈ. ગુજરાત માટે જીતની આશા જાગી હતી પરંતુ દિનેશ કાર્તિક (21) અને સ્વપ્નિલ સિંઘ (15)ની ઈનિંગે ગુજરાતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. બંનેએ માત્ર 18 બોલમાં 35 રનની અણનમ ભાગીદારી કરી અને 13.4 ઓવરમાં ટીમને જીત અપાવી. સ્વપ્નિલ સિંહે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી.

આ સમાચાર શેર કરો