VIDEO: 2027 વર્લ્ડ કપ માટે રોહિત-વિરાટ જરૂરી! મોહમ્મદ કૈફે મેસ્સીના ઉદાહરણ સાથે આપ્યું મોટું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમમાં સિનિયર ખેલાડીઓની નિવૃત્તિ અને ભવિષ્યની યોજનાઓને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્માના સંન્યાસના સમાચાર તદ્દન ખોટા છે અને લોર્ડ્સ ODI તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત નહીં થાય. હવે આ વિવાદની વચ્ચે પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ રોહિત શર્મા અને વિરાટ કોહલીના સમર્થનમાં પૂરી તાકાત સાથે આગળ આવ્યો છે.
મોટી ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની પણ ખાસ જરૂર: કૈફ
કૈફનું માનવું છે કે જો ટીમ ઈન્ડિયાએ વર્ષ 2027નો ODI વર્લ્ડ કપ જીતવો હોય, તો વિરાટ કોહલી અને રોહિત શર્માનું ટીમમાં હોવું અત્યંત જરૂરી છે. તેણે આ બંને દિગ્ગજોના અનુભવની તુલના ફૂટબોલના મહાન જાદુગર લિયોનેલ મેસી સાથે કરી છે. કૈફે સ્પષ્ટ કર્યું કે મોટી ટૂર્નામેન્ટ્સ માત્ર યુવા ખેલાડીઓના જોરે નથી જીતી શકાતા, પરંતુ અનુભવી ખેલાડીઓ જ ટીમને સાચી દિશા બતાવે છે.
રોહિત શર્મા નિવૃત્તિ જાહેર કરે તેવી અફવા વહેતી થઈ હતી
તાજેતરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. બંને ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલેથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં બંને દિગ્ગજો હવે માત્ર ODI ક્રિકેટ રમી રહ્યા છે, જેના કારણે તેમની ફિટનેસ અને ફોર્મને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. દરમિયાન રોહિત શર્માને ODI ટીમમાંથી બહાર રાખવાની અટકળોએ આ ચર્ચાને વધુ હવા આપી હતી.
લિયોનેલ મેસ્સીનું ઉદાહરણ અને અનુભવની તાકાત
મોહમ્મદ કૈફે જણાવ્યું કે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં સંયુક્ત રીતે યોજાનારો 2027નો વર્લ્ડ કપ ભારત માટે બિલકુલ સરળ નહીં હોય. લિયોનેલ મેસ્સી 39 વર્ષની ઉંમરે પણ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ સુધી લઈ ગયા. તેણે સેમીફાઈનલમાં ભલે ગોલ ન કર્યો, પરંતુ 2 અસિસ્ટ આપ્યા. આ જ અનુભવની અસલી તાકાત હોય છે. જ્યારે ટીમમાં યુવા ખેલાડીઓ હોય છે, ત્યારે અનુભવી ખેલાડીઓ જ તેમને સાચો રસ્તો બતાવે છે અને જીતની તકો બનાવે છે. જેમ આર્જેન્ટિના માટે મેસ્સી છે, તેમ જ ભારત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા છે.
કૈફે ઉમેર્યું કે 2027નો ફેઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારતને આ બંને અનુભવી ખેલાડીઓની સો ટકા જરૂર પડશે. અમે ઈચ્છીશું કે બંને ખેલાડીઓ વધુમાં વધુ મેચ રમે અને શાનદાર ફોર્મમાં રહે. જો શુભમન ગિલની કપ્તાની હેઠળ ભારત 2027નો વર્લ્ડ કપ જીતવા માંગતું હોય, તો રોહિત-કોહલી જેવા અનુભવીઓની હાજરી અનિવાર્ય છે.

