VIDEO: લોર્ડ્સમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો ODI રેકોર્ડ? જ્યાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો ત્યાં આવી છે હાલત
ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમી રહી છે. ઈંગ્લેન્ડે બીજી મેચ જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી છે. આ સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 જુલાઈના રોજ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. લોર્ડ્સમાં ભારતનો રેકોર્ડ છેલ્લા 22 વર્ષથી ખરાબ રહ્યો છે અને ટીમે ત્યાં એક પણ ODI મેચ નથી જીતી. હવે જોવાનું એ છે કે શું ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને 22 વર્ષના દુષ્કાળનો અંત લાવી શકે છે.
ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સ ખાતે પોતાનો પહેલો ODI વર્લ્ડ કપ જીત્યો
લોર્ડ્સ હંમેશા ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ભાગ્યશાળી અને ખાસ મેદાન રહ્યું છે. આ મેદાન પર જ કપિલ દેવની કેપ્ટનશીપ હેઠળ ભારતે 1983માં પહેલીવાર વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ, 2002ની નેટવેસ્ટ સિરીઝની ફાઈનલમાં, ભારતે આ જ મેદાન પર 325 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. આ વિજય બાદ, કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં ઉજવણી કરી હતી, જે વિજય ફેન્સને હજુ પણ યાદ છે. જોકે, આ ઐતિહાસિક જીત પછી પણ, ભારતીય ટીમ 2004થી આ મેદાન પર જીત માટે ઝંખી રહી છે, જે 22 વર્ષનો સમયગાળો છે.
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી લોર્ડ્સમાં ચાર વનડે મેચ જીતી છે
ટીમ ઈન્ડિયાએ 1975માં લોર્ડ્સમાં પોતાની પહેલી ODI મેચ રમી હતી. ત્યારથી, ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ નવ ODI મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ તેમાંથી ચાર જીતી છે અને ચાર હારી છે. બંને ટીમો વચ્ચેની એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. આ ચારમાંથી, ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે ત્રણ જીત અને 1983ના વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે એક જીત નોંધાવી હતી. આ મેદાન પર ભારતનો છેલ્લો વિજય 2004માં હતો.
ટીમ ઈન્ડિયા 2004 પછી ત્રણ મેચ હારી છે
2004 પછી ટીમ ઈન્ડિયા લોર્ડ્સમાં ત્રણ મેચ હારી ગઈ છે. ભારતે અહીં છેલ્લી મેચ 2022માં રમી હતી, જેમાં 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 2011માં રમાયેલી એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી કારણ કે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી હતી, જેમાં ઈંગ્લેન્ડે ડકવર્થ-લુઇસ (DLS) નિયમ હેઠળ સમાન સ્કોર બનાવી ચુક્યું હતું. 2026 માટે નિર્ધારિત આ ODI સિરીઝની છેલ્લી અને સૌથી મહત્ત્વપૂર્ણ મેચ રવિવારે રમાશે. ફેન્સને આશા છે કે કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા અહીં 22 વર્ષના વિજયના દુષ્કાળનો અંત લાવશે.

