VIDEO: ફિફા વિશ્વકપની ફાઈનલમાં ટીકિટના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા
ફીફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઘણી બાબતોમાં ઐતિહાસિક બનવા જઈ રહી છે. આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાનારી આ ફાઇનલ માટે ફૂટબોલ ફેન્સની દીવાનગી સાતમા આસમાને પહોંચી ગઈ છે. મેટલાઈફ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચે અમેરિકામાં ટિકિટ રીસેલના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 20 જુલાઈની રાત્રે ફીફા વર્લ્ડ કપ 2026નો ચેમ્પિયન મળી જશે. ટાઈટલની આ જંગમાં લિઓનેલ મેસ્સીની આર્જેન્ટિના અને યુરોપિયન ચેમ્પિયન સ્પેને જગ્યા બનાવી છે. આ બંને મજબૂત ટીમો વચ્ચે રમાનારી ફાઇનલને લઈને ફેન્સ પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. ટિકિટ રીસેલ માર્કેટપ્લેસ ટિકપિકના જણાવ્યા અનુસાર, આ મેચ અમેરિકન રમતગમતના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ઇવેન્ટ બની ચૂકી છે. ખરીદદારોએ સરેરાશ 11 હજાર 327 ડોલર એટલે કે લગભગ 11 લાખ રૂપિયા પ્રતિ ટિકિટ ચૂકવ્યા છે. જો સરેરાશ કિંમતોની વાત કરીએ તો, આ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા અમેરિકાની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ 2024 નો સુપર બાઉલ હતો, જ્યાં ટિકિટની સરેરાશ કિંમત 9 હજાર 411 ડોલર હતી.

