VIDEO: નેયમાર જુનિયરની ઈજા અંગે આવ્યું મોટું અપડેટ, ફિફા વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી થઈ શકે છે બહાર
ફિફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે બ્રાઝિલના ફૂટબોલ ફેન્સ માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર જુનિયરની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ્સ અને તપાસ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેયમાર 2026 ફિફા વર્લ્ડ કપના સમગ્ર ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈજાના કારણે જ નેયમાર બ્રાઝિલની ટુર્નામેન્ટની પ્રથમ મેચ પણ નહતો રમી શક્યો.
કાફની ઈજામાંથી સાજા થવામાં લાગી રહ્યો છે સમય
નેયમારને મે 2026માં ગ્રેડ-2 કાફ સ્ટ્રેનની ઈજા થઈ હતી. આ ગંભીર ઈજાના કારણે તે હાલમાં બ્રાઝિલ ટીમના નિયમિત ટ્રેનિંગ સેશનમાં પણ સામેલ નથી થઈ શક્યો. તેને જમણા પગની આ ઈજામાંથી સાજા થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી રહ્યો છે, જેના કારણે તેની ફિટનેસને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે.
કોચ અને મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા તૈયાર નથી
બ્રાઝિલના હેડ કોચ કાર્લો એન્સેલોટી અને ટીમ મેનેજમેન્ટ નેયમારની ઈજા પર સતત નજર રાખી રહ્યા છે. ટીમ ઈચ્છે છે કે નેયમાર ઉતાવળ કરવાના બદલે સંપૂર્ણપણે ફિટ થયા બાદ જ મેદાનમાં પરત ફરે, જેથી ટીમ જ્યારે નોકઆઉટ તબક્કામાં પહોંચે ત્યારે તેઓ પૂરી તાકાત સાથે રમી શકે. આ ગણતરીના ભાગરૂપે જ આગામી મેચોમાં તેને આરામ આપવામાં આવી શકે છે. નેયમાર બ્રાઝિલની મોરક્કો સામેની શરૂઆતની ઓપનિંગ મેચમાં પણ નહતો રમી શક્યો. હવે જો તેની રિકવરી અપેક્ષા મુજબ નહીં થાય, તો તે આગામી 20 જૂને હૈતી અને 25 જૂને સ્કોટલેન્ડ સામે રમાનારી ગ્રૂપ સ્ટેજની બંને મહત્ત્વની મેચો પણ ગુમાવશે.
રેકોર્ડ્સ પર એક નજર: બ્રાઝિલ માટે સૌથી મોટો સ્કોરર
સમગ્ર વિશ્વના ફૂટબોલ ફેન્સ નેયમારની જાદુઈ વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે બ્રાઝિલની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.
કુલ આંતરરાષ્ટ્રીય મેચ: 128
કુલ આંતરરાષ્ટ્રીય ગોલ: 79 ગોલ
વર્લ્ડ કપમાં પ્રદર્શન: નેયમારે અત્યાર સુધી ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં કુલ 8 ગોલ કર્યા છે. તેણે આ અદભૂત સિદ્ધિ 2014, 2018 અને 2022ના વર્લ્ડ કપમાં હાંસલ કરી હતી.
સરપ્રીત સિંહે પણ રચ્યો ઈતિહાસ
આ વર્લ્ડ કપ દરમિયાન અન્ય એક રોચક ઘટના પણ સામે આવી છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ તરફથી રમતા ભારતીય મૂળના ફૂટબોલર સરપ્રીત સિંહે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વિશ્વ કપની શરૂઆતની પ્લેઈંગ XIમાં મેદાન પર ઉતરનારો વિશ્વનો સર્વપ્રથમ ભારતીય મૂળનો ખેલાડી બની ગયો છે. હાલમાં બ્રાઝિલની ટીમ આશાવાદી છે કે નેયમાર ગ્રૂપ સ્ટેજ ભલે ન રમી શકે, પરંતુ નોકઆઉટ સુધીમાં તે સંપૂર્ણ ફિટ થઈને મેદાન પર ધમાકેદાર પુનરાગમન કરશે.

