'હું તૈયાર...', રોહિત શર્મા ફરીથી નહતો બનવા માંગતો MIનો કેપ્ટન, પરંતુ આ એક કારણે સ્વીકારી જવાબદારી

'હું તૈયાર...', રોહિત શર્મા ફરીથી નહતો બનવા માંગતો MIનો કેપ્ટન, પરંતુ આ એક કારણે સ્વીકારી જવાબદારી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરીથી કેપ્ટનશિપ સોંપી છે. તે ત્રણ વર્ષ પછી ફરીથી ટીમનું નેતૃત્વ કરશે. રોહિતના કેપ્ટન તરીકે પાછા ફરવાથી ફેન્સ ખૂબ ખુશ છે. હવે હિટમેન સાથેનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તે ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નહતો બનવા માંગતો. જોકે, બાદમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ટીમનું નેતૃત્વ કરવા સંમત થયો.

MIના કેપ્ટન બન્યા પછી રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું

મુંબઈ ઈન્ડિયન્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રોહિત શર્માના ઇન્ટરવ્યુનો વીડિયો પોસ્ટ કર્યો. તેણે ખુલાસો કર્યો કે ટીમના માલિક આકાશ અંબાણી સાથે તેની ખાસ મુલાકાત થઈ હતી. રોહિતે કહ્યું, "જ્યારે આકાશ અંબાણીએ ફોન કર્યો ત્યારે હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો હતો. અમે મળ્યા અને ટીમને કેવી રીતે આગળ વધારવી તેની ચર્ચા કરી. અમે અમારા વિચારોનું આદાન-પ્રદાન કર્યું."

જાહેરાત

વાતચીત દરમિયાન, આકાશ અંબાણીએ રોહિત શર્માને કેપ્ટનશિપ ઓફર કરી. આ અંગે હિટમેને કહ્યું, "શરૂઆતમાં મને લાગ્યું કે હું આ કામ (કેપ્ટનશિપ) માટે તૈયાર નથી. મેં તેમને કહ્યું હતું કે હું ઘર જઈને આ વિશે વિચારીશ. ઘણું બધું બન્યું હતું અને મને ખાતરી નહતી કે હું આ જવાબદારી નિભાવવાની સ્થિતિમાં છું કે નહીં. હું એમ નથી કહેતો કે ટીમને એક લીડર તરીકે મારી જરૂર છે. જોકે, મને એવું લાગ્યું કે ટીમને દિશાની જરૂર છે."

રોહિત શર્માએ આગળ કહ્યું, "મને લાગ્યું કે આ એક ટીમ છે જે મેં બનાવી છે. મેં 10 વર્ષ સુધી આ ટીમની કેપ્ટનશિપ કરી. તેથી જ મેં વિચાર્યું કે શા માટે ફરી એકવાર આ પડકારનો સામનો ન કરવો."

રોહિતે MIના ખરાબ પ્રદર્શન વિશે શું કહ્યું?

IPL 2020 પછી મુંબઈ ઈન્ડિયન્સે કોઈ ટ્રોફી નથી જીતી. રોહિત અને હાર્દિક બંને 2020 પછી કેપ્ટન તરીકે સફળ નથી થયા. ટીમની સફળતા અંગે રોહિતે કહ્યું, "ખેલાડીઓ તરીકે અમે જે રીતે રમી રહ્યા હતા તેનાથી અમે ખૂબ જ નિરાશ હતા. આવું બધા પ્રોફેશનલ ખેલાડીઓ સાથે થાય છે. હું એક કે બે ખેલાડીઓ વિશે વાત નથી કરી રહ્યો. હું આખી ટીમ વિશે વાત કરી રહ્યો છું. અમે ક્વોલિફાય ન થવાથી નિરાશ નહતા, પરંતુ અમે સારું રમી નહતા રહ્યા અને અમારી જવાબદારીઓ પૂર્ણ નહતા કરી રહ્યા."

આ સમાચાર શેર કરો

જાહેરાત