ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરી, નાથન લિયોન અને માર્નસ લાબુશેનનું પત્તું કપાયું

ઓસ્ટ્રેલિયા વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રના ભાગ રૂપે 9 ડિસેમ્બરથી ઘરેલુ મેદાન પર ન્યુઝીલેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 28 નવેમ્બરના રોજ ટેસ્ટ સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, જેમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બે મુખ્ય ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ખેલાડીઓ નાથન લિયોન અને માર્નસ લાબુશેન, જેઓ તાજેતરના નબળા પ્રદર્શન માટે તપાસ હેઠળ છે, તેમને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે બે નવા ખેલાડીઓને તેમના પ્રભાવશાળી સ્થાનિક પ્રદર્શનના આધારે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ પર્થમાં રમાશે, ત્યારબાદ આગામી ત્રણ મેચ એડિલેડ, મેલબોર્ન અને સિડનીમાં રમાશે.
ક્લેટન અને રોચિઓલીને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં મળી જગ્યા
ઓસ્ટ્રેલિયા પર્થ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ રમશે. જેક ક્લેટન અને કોરી રોચિઓલીને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ક્વીન્સલેન્ડનો ડાબોડી બેટ્સમેન ક્લેટન માર્નસ લાબુશેનનું સ્થાન લેશે. ક્લેટને આ સિઝનમાં શેફિલ્ડ શીલ્ડની પાંચ મેચોમાં 74.83ની એવરેજથી રન બનાવ્યા છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો ઓફ સ્પિનર રોચિઓલી નાથન લિયોનનું સ્થાન લેશે. લિયોનને બહાર કરવાને કારણે લિયોનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે અનિશ્ચિત છે. જોકે, તે આવતા વર્ષની શરૂઆતમાં ભારત પ્રવાસ માટે હજુ પણ દાવેદાર છે. સિલેક્ટર્સે 13 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી, જેમાં 3થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાનારી શેફિલ્ડ શીલ્ડના આગામી રાઉન્ડ પછી વધુ એક ખેલાડીનો ઉમેરો કરવામાં આવશે.
નાથન તેની બોલિંગથી સમાન અસર કરવામાં નિષ્ફળ ગયો
ટેસ્ટ ટીમમાંથી નાથન લિયોનની બાદબાકી અંગે ઓસ્ટ્રેલિયન સિલેક્શન કમિટીના અધ્યક્ષ જ્યોર્જ બેલીએ કહ્યું, "તાજેતરની મેચોમાં નાથનનો બોલિંગથી અમને આશા હતી તેવો પ્રભાવનથી પડ્યો. અમે એ પણ જાણીએ છીએ કે તેનો રેકોર્ડ ઉત્તમ છે. તેનો અનુભવ, સમજણ અને કૌશલ્ય અમારી ટીમને આગળ વધવા માટે ખૂબ મૂલ્યવાન બની શકે છે. જેક ખૂબ જ સંયમિત ખેલાડી છે જેણે લાંબા સમયથી સતત પ્રદર્શન કર્યું છે. તેની રમત બાકીના બેટિંગ ઓર્ડર સાથે સારી રીતે બંધબેસે છે. કોરીએ છેલ્લા કેટલીક સિઝનમાં સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેની શક્તિઓ ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓને અનુરૂપ છે."
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જેક ક્લેટન, કેમરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માઈકલ નેસર, મેથ્યુ રેનશો, કોરી રોચિઓલી, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક.








