મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ફાઈનલમાં પણ ટોસ હારી ગયો રોહિત શર્મા, બ્રાયન લારાના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી

IND vs NZ / ફાઈનલમાં પણ ટોસ હારી ગયો રોહિત શર્મા, બ્રાયન લારાના શરમજનક રેકોર્ડની કરી બરાબરી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ફાઈનલ મેચમાં, ફરી એકવાર નસીબે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો સાથ ન આપ્યો. રોહિતનું ટોસ હારવાનું ચાલુ રહ્યું છે. રોહિત શર્મા સતત 12મી ODI મેચમાં ટોસ હારી ગયો છે. આ સાથે, કેપ્ટન તરીકે રોહિત શર્માના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ભારતીય કેપ્ટન ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટોસ હારનાર સંયુક્ત કેપ્ટન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના રેકોર્ડની બરાબરી કરી છે. લારાએ ODI ક્રિકેટમાં સતત 12 વખત ટોસ હાર્યો હતો.

નોંધનીય છે કે ભારતીય ટીમ 2023ના વર્લ્ડ કપની ફાઈનલથી ટોસ હારી રહી છે અને આ ટ્રેન્ડનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની બીજી મેચમાં પાકિસ્તાન સામે સતત સૌથી વધુ ODI મેચોમાં 12 ટોસ હારવાનો શરમજનક વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ આ રેકોર્ડ નેધરલેન્ડ્સના નામે હતો જેણે સતત 11 વાર ટોસ હાર્યો હતો. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ગ્રુપ સ્ટેજ મેચ અને ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં પણ ટોસ નહતી જીતી શકી. આ રીતે, ભારતીય ટીમે હવે સતત 15 વનડે મેચોમાં ટોસ હારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

ODI ક્રિકેટમાં સતત સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટનો

  • રોહિત શર્મા - 12
  • બ્રાયન લારા - 12
  • પીટર બોરેન - 11

ભારતીય ટીમ કોઈ ફેરફાર વિના ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ રમવા ઉતરી છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમમાં એક ફેરફાર થયો છે. ઈજાના કારણે મેટ હેનરી ફાઈનલ મેચમાં નથી રમી રહ્યો. તેના સ્થાને નાથન સ્મિથને ન્યુઝીલેન્ડ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), કાઈલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક, નાથન સ્મિથ.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

આ સમાચાર શેર કરો