રોહિત શર્મા-કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ વન ડેમાં નિવૃતિ જાહેર કરે તેવી શક્યતા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે ત્યારે કોણ ચેમ્પિયન બનશે તેની અટકળો થઇ રહી છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ વન ડેમાંથી સંન્યાસ લઇ શકે છે. હેડ કોચ ગૌતમ ગંભીરે બન્ને ક્રિકેટરોને ચેમ્પિયન્સ ટ્રોપી પછીની ભાવિ યોજના જણાવવાનું કહી દીધું છે.
રોહિત-વિરાટને લઇને ચાહકોમાં સંન્યાસની ચર્ચા
જો કે ફાઇનલમાં કોણ જીતશે તેના જેટલી જ ચર્ચા એ જામી છે કે શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પુરી થતા જ કે તેના એક બે દિવસમાં જ ભારતના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન વિરાટ કોહલી વન ડે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરશે?
હેડ કોચ ગંભીરની યોજના
એક અહેવાલ એવો પણ હતો કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતને 2027ના વર્લ્ડકપ અને 2025-27ની ટેસ્ટ ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશીપની સાયકલ માટે ટીમ તૈયાર કરવાની છે. તેથી હેડ કોચ ગંભીરે આ બન્ને સીનિયરોને જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી તમારે તમારી કારકિર્દીની ભાવિ યોજના જણાવવી. આવતા વર્ષે ટી-20 વર્લ્ડકપ માટે તો ભારતે યુવા ખેલાડીઓની ટીમ તૈયાર કરવા પણ માંડી છે કેમ કે 2024ના ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃતિ જાહેર કરી દીધી હતી.
2027માં વર્લ્ડકપ
હવે 2027ના વન ડેના વર્લ્ડકપ અગાઉ જે દ્વિપક્ષીય વન ડે શ્રેણી રમાશએ તે એવી પ્રતિષ્ઠિત નથી કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને તેમાં રમાડવા જ પડે. હેડ કોચ ગંભીર અને પસંદગી સમિતિ ઇચ્છે છે કે આગામી બે વર્ષમાં યુવા ખેલાડીઓને રોહિત શર્મા અને કોહલીના સ્થાને તક મળતી રહે તે જરૂરી છે કેમ કે 2027માં 39 કે 40 વર્ષની વય થઇ હશે ત્યારે તેઓ ટીમમાં ન પણ હોય. રોહિત શર્મા તો કેપ્ટન છે એટલે જ તેનું સ્થાન જાળવી રાખે છે. કોહલીએ તેની ઇમેજ પ્રમાણે દેખાવ કર્યો છે. આમ છતાં 2027ના વન ડે વર્લ્ડકપમાં તેઓ રમવાના જ ન હોય કે વયનું કારણ આગળ કરે તો 2027ના અગાઉના હવે પછીના બે વર્ષ દરમિયાનની વન ડે શ્રેણીમાં રમવાનું કોઇ પ્રયોજન ન હોઇ શકે.
આવી તક નહીં મળે
આવી સ્થિતિ વચ્ચે એમ કહી શકાય કે જો રોહિત શર્મા અને કોહલી તેઓની ભાવિ યોજના ચેમ્પિયન્સ ટ્રોફી પછી નહીં જણાવે તો પસંદગી સમિતિ જ 2027ના વર્લ્ડકપની ટીમ તૈયાર કરવાની હોવાથી તેમને નિવૃત જાહેર કરવાનું કહે. માત્ર વન ડેમાં જ નહીં ટેસ્ટ ક્રિકેટનું ભાવિ પણ જણાવવાનું કહેવામાં આવ્યું છે. પસંદગી સમિતિના કોચ અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા વાતચીત થઇ છે. આ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ કંઇક વાતચીત કરતા જોવા મળ્યા હતા.
માન નહીં રહે
જો પછીથી આ સીનિયરો નિવૃતિ જાહેર કરશે તો એવું મનાશે કે તેઓને સારી રીતે ટીમમાંથી બહાર કાઢવાની તક બોર્ડે આપી છે. આમાં તેઓની વેલ્યુ ન રહે. જો વધુ ક્રિકેટ રમવાની લાલચમાં આવી જઇ તેઓ રવિવારે નિવૃતિની તક નહીં ઝડપે તો તેઓને આવો અવસર નહીં સાંપડે.








