રોહિત-અગરકરની પ્રેસ કોન્ફરન્સ, કોહલીથી લઈને કેએલ વિશેના સવાલોના આપ્યા જવાબ
આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની એનાઉન્

આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. હવે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ તેની સાથે હતા. IPLમાં રોહિત શર્માને કેપ્ટનશિપથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે. આ અંગે પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર રોહિતે કહ્યું કે, મારા માટે આ કંઈ નવું નથી. હું આ પહેલા પણ ઘણા કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો છું.
'હું કેપ્ટન હતો. પછી કેપ્ટન ન રહ્યો અને હવે હું કેપ્ટન છું’
રોહિતે કહ્યું, 'હું કેપ્ટન હતો. પછી હું કેપ્ટન નહોતો અને હવે હું કેપ્ટન છું. આ જીવનનો એક ભાગ છે. બધું આપણાં મુજબ નથી થતું. આ એક શાનદાર અનુભવ રહ્યો છે. મારા જીવનમાં અગાઉ પણ હું કેપ્ટન ન હતો અને અલગ-અલગ કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો હતો. તેનાથી કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા એક ખેલાડી તરીકે જે જરૂરી છે તે કરવાનો પ્રયાસ કર્યો છે અને છેલ્લા એક મહિનામાં મેં તે કરવાનો પ્રયાસ કર્યો છે.
અજીત અગરકરે કહ્યું, 'રોહિત એક શાનદાર કેપ્ટન રહ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે 50 ઓવરના વર્લ્ડ કપ અને આ (T20) વર્લ્ડ કપ વચ્ચેના 6 મહિના દરમિયાન અમારે કેટલાક નિર્ણયો લેવાના હતા. હું જાણું છું કે હાર્દિકે કેટલીક સીરિઝમાં નેતૃત્વ કર્યું છે. પરંતુ રોહિત શાનદાર રહ્યો છે.
કેએલ રાહુલની પસંદગી ન કરવામાં પર કહ્યું...
પ્રેસ કોન્ફરન્સમાં કેએલ રાહુલ વિશે પણ પૂછવામાં આવ્યું કે તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન કેમ ન મળ્યું. આ અંગે અગરકરે કહ્યું, 'કેએલ એક શાનદાર ખેલાડી છે. અમે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનારા ખેલાડીઓ પર વિચાર કરી રહ્યા છીએ. કેએલ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. જ્યારે ઋષભ પંત 5માં નંબર પર રમે છે. સંજુ સેમસન પણ મિડલ ઓર્ડરમાં રમવાની ક્ષમતા ધરાવે છે.’
શિવમ માટે પ્લેઇંગ-11માં રમવું મુશ્કેલ
ઓલરાઉન્ડર શિવમ દુબે વિશે રોહિતે કહ્યું, 'અમારો ટોપ ઓર્ડર સારું પ્રદર્શન કરી રહ્યો છે, તે ખરાબ નથી. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ખેલાડી વચ્ચેની ઓવરોમાં તે ભૂમિકા ભજવે અને સ્વતંત્ર રમે. અમે દુબેની પસંદગી IPLમાં તેના પ્રદર્શનના આધારે કરી છે. અમે તેના વિશે વાત કરી અને પસંદગી કરી, પરંતુ પ્લેઇંગ-11માં તેના રમવાની કોઈ ખાતરી નથી.’
રિંકુનો વાંક નથી, આ કારણે જ તે ચૂકી ગયો
IPLમાં ધૂમ મચાવનાર રિંકુ સિંહને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. તેને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. આના પર રોહિતે કહ્યું, 'મને લાગે છે કે આમાં રિંકુની ભૂલ નથી. તે હવે અમારી સાથે ટ્રાવેલ કરવા જઈ રહ્યો છે. હું જાણું છું કે, તે તેના માટે થોડું મુશ્કેલ છે. મને લાગે છે કે, તે ટીમ બેલેન્સના કારણે ચૂકી ગયો. અમે એક્સ્ટ્રા સ્પિનર સાથે રમવા ઈચ્છતા હતા. મને ટીમમાં 4 સ્પિનરો જોઈતા હતા. હું તેનું કારણ અહીં નહીં કહું, હું તમને યુએસએમાં કહીશ.’
કોહલીના સપોર્ટમાં આવ્યો કેપ્ટન રોહિત
IPL દરમિયાન વિરાટ કોહલી હંમેશા તેની સ્ટ્રાઈક રેટને લઈને ટ્રોલ થતો રહ્યો છે. જ્યારે રોહિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'અનુભવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. વધુ વિચારવાનો કોઈ અર્થ નથી. બીજી તરફ ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પસંદગી અંગે અગરકરે કહ્યું, 'જ્યાં સુધી તે ફિટ અને ઉપલબ્ધ છે. અમે હંમેશા હાર્દિક પંડ્યાને ટીમમાં જોવા ઈચ્છીએ છીએ, તેમાં કોઈ શંકા નથી.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
રિઝર્વઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન.
T20 વર્લ્ડ કપ ગ્રૂપ:
ગ્રૂપ એ- ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, યુએસએ
ગ્રૂપ બી- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામીબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રૂપ સી- ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યૂ ગિની
ગ્રૂપ ડી- સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.








