આજે IPL 2025 માટે મેગા ઓક્શન, રિષભ પંત-કેએલ રાહુલને લાગી શકે છે લોટરી
IPL 2025 માટે આજ (24 નવેમ્બર) થી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસીય મેગા ઓક્શનનો પ્રારંભ થશે, જ્યારે

IPL 2025 માટે આજ (24 નવેમ્બર) થી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસીય મેગા ઓક્શનનો પ્રારંભ થશે, જ્યારે દુનિયાભરના ક્રિકેટર્સ અને ફેન્સની નજર કયા ખેલાડીને જેકપોટ લાગશે અને કોણ રહી જશે, તેના પર મંડાયેલી રહેશે. IPLની 10 ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 641.5 કરોડ રૂપિયાના પર્સ સાથે ઓક્શનમાં ભાગ લેવા માટે તૈયાર છે. દેશ-વિદેશના 574 ખેલાડીઓ ઓક્શનમાં છે, જોકે IPLની ફ્રેન્ચાઈઝીઓ મહત્તમ માત્ર 204 ખેલાડીને જ ખરીદી શકે તેમ છે. હવે આજે કોનું ભાગ્ય ચમકશે અને કોને IPL ઓક્શન સુધી પહોંચ્યા બાદ અનસોલ્ડ રહેવું પડશે તેનો નિર્ણય થશે.
આ પણ વાંચો: IPL 2025 / કેટલા વાગ્યે શરૂ થશે મેગા ઓક્શન? અહીં જાણો ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમીંગ
પંત, રાહુલ, ઐયર જેવા સ્ટાર્સ પર નજર
IPLના મેગા ઓક્શનમાં રિષભ પંત, કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર જેવા ત્રણ સુપરસ્ટાર ભારતીય ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે રસાકસીભરી જંગ જામશે. આ કારણે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓની કિંમત આસમાને પહોંચી જશે તે નક્કી લાગી રહ્યું છે.
IPLના મેગા ઓક્શનની શરૂઆતમાં માર્કી પ્લેયર્સના બે સેટને વારાફરતી ઓક્શનમાં મુકવામાં આવશે. પ્રથમ સેટમાં રિષભ પંતની સાથે ઐયર, જોસ બટલર, અર્ષદીપ સિંહ, કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે. જ્યારે બીજા સેટમાં કે.એલ. રાહુલની સાથે યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મીલર, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. આ બધા ખેલાડીઓમાં માત્ર મીલર જ દોઢ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવે છે, બાકીના તમામની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા છે.






