VIDEO: IPL ચેમ્પિયન બન્યા બાદ RCBના સ્ટાર ખેલાડીને લાગ્યો ઝટકો, BCCIએ એક મેચ માટે લગાવ્યો પ્રતિબંધ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નું ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો. બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને સતત બીજી વખત IPLની ટ્રોફી જીતી લીધી. પરંતુ જ્યાં RCBના ખેલાડીઓ અને તેના ફેન્સ આ ખિતાબી જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યાં જ એક દિવસ પછી જ ટીમના સ્ટાર ખેલાડી ટિમ ડેવિડ પર બેન લાગી ગયો. મેદાન પર નિયમોના ઉલ્લંઘનને કારણે BCCI એ વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો, જ્યારે તેની મેચ ફી પણ કાપી લેવામાં આવી.
અમ્પાયર તરફ આઇસ બેગ ફેંકવાનો આરોપ
IPL ફાઈનલના એક દિવસ પછી સોમવારે 1 જૂને BCCIએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને ટિમ ડેવિડને મળેલી સજાની માહિતી આપી અને તેનું કારણ પણ જણાવ્યું. વિસ્ફોટક બેટ્સમેન ડેવિડને બેંગલુરુની ફીલ્ડિંગ દરમિયાન કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘન માટે દોષિત ગણવામાં આવ્યો. ગુજરાતની ઈનિંગની 10મી ઓવરમાં વિકેટ પડ્યા બાદ ડેવિડે આક્રમક અંદાજમાં અમ્પાયર નિતિન મેનન તરફ એક આઇસ બેગ ફેંકી હતી.
કોડ ઓફ કન્ડક્ટ ઉલ્લંઘન બદલ દંડ
BCCI તરફથી જણાવવામાં આવ્યું કે ટિમ ડેવિડની આ હરકત IPL કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.9નું ઉલ્લંઘન હતી, જે બોલ અથવા કોઈપણ સામાન કોઈ ખેલાડી અથવા મેચ ઓફિશિયલ તરફ ફેંકવા સાથે જોડાયેલી છે. ડેવિડને આ હરકત પર લેવલ-1નો દોષિત ગણવામાં આવ્યો અને તેની 50 ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે અને સાથે જ 2 ડિમેરિટ પોઈન્ટ પણ તેના ખાતામાં ઉમેરી દેવામાં આવ્યા છે. ડેવિડે પણ મેચ રેફરી સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી અને આ સજાનો સ્વીકાર કર્યો.
સતત ભૂલોથી પાંચ ડિમેરિટ પોઈન્ટ થયા
મોટી વાત એ છે કે ડેવિડ એક મેચ માટે બેન થઈ ગયો છે અને એવું એટલા માટે કારણ કે આ સિઝનમાં તેણે ત્રીજી વખત આવી ભૂલ કરી હતી અને દરેક વખતે તેના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો. પહેલી ભૂલ તેને સિઝનની 20મી મેચમાં કરી હતી, જેના માટે તેને 1 ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. પછી બીજી વખત 54મી મેચમાં તેને આ સજા મળી, જેમાં 2 પોઈન્ટ તેના ખાતામાં ઉમેરાયા. ત્રીજી ભૂલ પછી હવે તેના કુલ 5 ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા છે, જેના કારણે તેના પર 1 મેચનો પ્રતિબંધ લાગી ગયો છે.
પ્રતિબંધ આગામી સિઝનની પ્રથમ મેચમાં લાગુ
હવે આ સિઝન તો પૂરી થઈ ગઈ છે. એવામાં ટિમ ડેવિડ પર આ પ્રતિબંધ આવતા વર્ષે લાગુ થશે જ્યારે તે બેંગલુરુ અથવા અન્ય કોઈ ટીમ તરફથી મેદાન પર ઉતરશે. જેના કારણે તે આગામી સિઝનની પહેલી મેચ નહીં રમી શકે. ડેવિડ એવો બીજો ખેલાડી છે, જેના પર એક સિઝનમાં પ્રતિબંધ લાગ્યો પરંતુ આગામી સિઝનમાં આ સજા પૂરી કરવી પડશે. આ પહેલા IPL 2024 સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ત્રીજી વખત સ્લો ઓવર રેટનો દોષિત સાબિત થયો હતો અને તેના પર 1 મેચનો બેન લાગ્યો હતો. જેના કારણે તે 2025 સિઝનની પહેલી મેચ નહતો રમી શક્યો.

