Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB secures playoff spot with fifth consecutive win in WPL 2026

WPL 2026 / RCBએ સતત પાંચમી જીત સાથે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન, ગુજરાતને મળી મોટી હાર

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2026
લાઇવ ટીવીGoogle News
WPL 2026 / RCBએ સતત પાંચમી જીત સાથે પ્લેઓફમાં મેળવ્યું સ્થાન, ગુજરાતને મળી મોટી હાર
સોર્સ : GSTV

ગૌતમી નાઈકની શાનદાર 73 રનની ઈનિંગ અને બોલર્સના દમદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સોમવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની 12મી મેચમાં ગુજરાત જાયન્ટ્સને 61 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા RCBએ છ વિકેટે 178 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 117 રન જ બનાવી શક્યું.

App Store

ગુજરાતની ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. તેની કોઈપણ બેટ્સમેન જવાબદારીપૂર્વક ન રમી શકી અને પરિણામે, ટીમ 150 રનના આંકડા સુધી પણ ન પહોંચી શકી. આ RCBની સતત પાંચમી જીત છે, જેના કારણે તે આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. હવે RCB આ સિઝનની ફાઈનલમાં પહોંચવાથી માત્ર એક જીત દૂર છે. WPLમાં પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર રહેલી ટીમને ફાઈનલમાં સીધો પ્રવેશ મળે છે. જો RCB હવે તેની બાકીની 3 મેચમાંથી એક મેચ પણ જીતશે તો તેના 12 પોઈન્ટ થઈ જશે અને બાકીની કોઈ ટીમ હવે ત્યાં સુધી પહોંચી શકે તેવું શક્ય નથી.

ગુજરાતની ખરાબ શરૂઆત

179 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ગુજરાતને બીજી ઓવરના પહેલા જ બોલ પર જ ઝટકો લાગ્યો. બેથ મૂની માત્ર 3 રન બનાવીને સયાલી સતઘરેના બોલ પર આઉટ થઈ ગઈ. તે જ ઓવરમાં સયાલીએ સોફી ડિવાઈનને પણ આઉટ કરી, જે પોતાનું ખાતું પણ ન ખોલી શકી. ગુજરાતે ત્રીજી ઓવરના પાંચમા બોલ પર કનિકા આહુજાના રૂપમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી. કનિકાને લોરેન બેલે આઉટ કરી. ગુજરાતની આ બેટ્સમેન પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી. ગુજરાતે માત્ર 5 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

અનુષ્કા અને કેપ્ટનના પ્રયાસ

આ પછી અનુષ્કા શર્મા અને કેપ્ટન એશ્લે ગાર્ડનરે ટીમની ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો. આ પાર્ટનરશિપ સારી રીતે આગળ વધી રહી હતી, જ્યારે નાદીન ડી ક્લર્કે અનુષ્કાને 34 રનના કુલ સ્કોર પર આઉટ કરી. તે 20 બોલમાં ફક્ત 18 રન જ બનાવી શકી હતી. રાધા યાદવે 48 રનના કુલ સ્કોર પર કાશ્વી ગૌતમને આઉટ કરીને ગુજરાતને પાંચમો ઝટકો આપ્યો. ક્લર્કે જ્યોર્જિયા વેરહેમને આઉટ કરીને ગુજરાતને છઠ્ઠો ઝટકો આપ્યો. આ પછી ગુજરાતની હાર નિશ્ચિત થઈ ગઈ.

ગાર્ડનરની અડધી સદી

વિકેટ પડવાના સિલસિલા વચ્ચે ગાર્ડનરે પોતાનું સ્થાન જાળવી રાખ્યું. તેણે એક છેડો પકડી રાખ્યો અને સખત લડત આપી. કેપ્ટને પોતાની અડધી સદી પણ પૂરી કરી. અડધી સદી પૂર્ણ કર્યા પછી ગાર્ડનર 17મી ઓવરના બીજા બોલ પર આઉટ થઈ ગઈ. તેણે 43 બોલમાં 54 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભારતી ફૂલમાલી શ્રેયંકા પાટીલનો શિકાર બની, તેણે ફક્ત 14 રનનું યોગદાન આપ્યું. જોકે, RCBની ટીમ ગુજરાતને આઉટ ન કરી શકી. ઈનિંગના અંતે તનુજા કંવર 11 અને રેણુકા સિંહ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા.

RCBની શરૂઆત પણ સારી નહતી

પહેલી ઈનિંગમાં RCBને પણ સારી શરૂઆત નહતી મળી. રેણુકા સિંહે ગ્રેસ હેરિસને પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર આઉટ કરી હતી. કાશ્વી ગૌતમે જ્યોર્જિયા વોલને આઉટ કરી હતી. તે ફક્ત એક રન બનાવી શકી. કેપ્ટન સ્મૃતિ મંધાના અને ગૌતમીએ પાર્ટનરશિપ કરીને ટીમને મુશ્કેલીમાંથી બચાવી હતી. કેપ્ટન 69ના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ. તેણે 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી માત્ર 26 રન બનાવ્યા હતા.

ત્યારબાદ ગૌતમીને રિચા ઘોષનો સાથ મળ્યો અને બંનેએ મળીને ટીમને 138 રન સુધી પહોંચાડી. આ પછી રિચા સોફી ડિવાઈનનો શિકાર બની. તેણે 20 બોલમાં 27 રન બનાવ્યા, જેમાં તેણે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ટીમના સ્કોરમાં ફક્ત 4 રન ઉમેરાયા બાદ ગૌતમી પણ આઉટ થઈ ગઈ. ગૌતમીએ 55 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 73 રન બનાવ્યા હતા. ગૌતમીની આ ઈનિંગના કારણે RCB મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. રાધા યાદવે છેલ્લે 8 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકારીને 17 રન બનાવ્યા હતા. ક્લર્ક 4 અને શ્રેયંકા પાટીલ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા.