મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રવિચંદ્રન અશ્વિનને શા માટે થાય છે રવિન્દ્ર જાડેજાની ઈર્ષ્યા? ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન આપ્યું ચોંકાવનારું નિવેદન

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચન

રવિચંદ્રન અશ્વિનને શા માટે થાય છે રવિન્દ્ર જાડેજાની ઈર્ષ્યા? ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન આપ્યું ચોંકાવનારું નિવેદન

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચના બીજા દિવસના અંતે યજમાન ભારતીય ટીમની સ્થિતિ ઘણી મજબૂત હતી. પ્રથમ દિવસની રમતમાં જ્યારે ટીમ ઈન્ડિયાએ 144ના સ્કોર પર તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ મળીને 7મી વિકેટ માટે 199 રનની પાર્ટનરશિપ કરી હતી અને ટીમના પ્રથમ ઈનિંગના સ્કોરને 376 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિને 113 રનની ઈનિંગ રમી તો જાડેજાએ પણ 86 રન બનાવ્યા હતા. હવે બીજા દિવસની રમત બાદ અશ્વિને રવિન્દ્ર જાડેજાને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે, 'મને જાડેજાની અસાધારણ પ્રતિભાની ઈર્ષા થાય છે.'

તે કેટલો પ્રતિભાશાળી ખેલાડી છે

રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની સમાપ્તિ પછી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા જાડેજા વિશે કહ્યું કે, 'હું હંમેશા તેની ઈર્ષ્યા કરું છું કે તે કેટલો પ્રતિભાશાળી ખેલાડી છે. તેણે તેની ક્ષમતા વધારવાના રસ્તાઓ શોધી કાઢ્યા છે. હું ઈચ્છું છું કે હું તેના જેવો બની શકું, પરંતુ હું જે છું તેનાથી ખુશ છું. તે એક અસાધારણ ક્રિકેટર છે. હું જાડેજા માટે ખુશ છું. મને લાગે છે કે આટલા વર્ષોમાં તેને બેટિંગ કરતા જોવાથી મને એ પણ દેખાઈ આવ્યું છે કે હું કેટલો બહેતર બની શકું છું.'

અમે બંને એકબીજાની સફળતાનો આનંદ માણીએ છીએ

બેટિંગ ઉપરાંત અશ્વિને જાડેજાની બોલિંગ વિશે પણ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'તે ખરેખર તેને ખૂબ જ સરળ રાખે છે. તે બોલને સતત એક જગ્યાએ ફેંકી શકે છે. અમે બંનેએ લગભગ એકસાથે પ્રગતિ કરી છે અને અમે બંનેએ બોલિંગમાં કેટલીક ખાસ વસ્તુઓ કરી છે. આ તબક્કે પહોંચ્યા પછી, અમે બંને એકબીજાને ખૂબ માન આપીએ છીએ અને એકબીજાની સફળતાને પહેલા કરતાં વધુ માણીએ છીએ.'

આ સમાચાર શેર કરો