IPL 2026 / રાજસ્થાન રોયલ્સે નવા કેપ્ટનની કરી જાહેરાત, જાડેજા કે જયસ્વાલ નહીં આ ખેલાડીને મળી જવાબદારી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ (RR) એ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ઓલરાઉન્ડર રિયાન પરાગને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લાંબા સમયથી કેપ્ટન રહેલા સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ટ્રેડ કર્યા બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેડ ડીલમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન ટીમમાં જોડાયા હતા.
ઓપનર યશસ્વી જયસ્વાલ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ કેપ્ટનશિપ માટે દાવેદાર હતા, પરંતુ ફ્રેન્ચાઈઝીએ 24 વર્ષીય રિયાન પરાગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રિયાન અગાઉ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી ચૂક્યો છે. ગઈ સિઝનમાં જ્યારે સંજુ સેમસન ઈજાને કારણે 8 મેચ ગુમાવી હતી, ત્યારે રિયાને ટીમની જવાબદારી સંભાળી હતી.
રાજસ્થાન રોયલ્સે તે સમયગાળા દરમિયાન આઠમાંથી બે મેચ જીતી હતી. આ દરમિયાન રિયાન પરાગે શાનદાર બેટિંગ કરીને 38.57ની એવરેજથી રન બનાવ્યા હતા અને ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 95 રન બનાવ્યા હતા, જે તેની IPL કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
નવા કેપ્ટનની પસંદગી કરતા પહેલા રાજસ્થાન રોયલ્સના હેડ કોચ કુમાર સંગાકારાએ ઘણા ખેલાડીઓના ઇન્ટરવ્યુ લીધા, ત્યારબાદ આખરે રિયાન પરાગને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા. 2025ની સિઝન પછી રાહુલ દ્રવિડે ટીમ છોડવાનો નિર્ણય લેતા ફ્રેન્ચાઈઝીએ કોચિંગ સેટઅપમાં પણ ફેરફાર કર્યો હતો. તે સિઝનમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ ફક્ત 4 જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં નવમા ક્રમે રહી હતી.
2019માં IPLમાં ડેબ્યુ કર્યા પછી રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનો સભ્ય રહ્યો છે. તેણે રોયલ્સ માટે 84 મેચ રમી છે, જેમાં 26.10ની એવરેજથી 1566 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે. 2024ની સિઝન રિયાનની સૌથી સફળ સિઝન રહી હતી, જેમાં તેણે 52.09ની એવરેજ અને 149.21ના સ્ટ્રાઇક રેટથી 573 રન બનાવ્યા હતા.
સંજુ સેમસને 11 સિઝન સુધી રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. છેલ્લી IPL પછી તેણે ફેરફારની ઈચ્છા વ્યક્ત કરી અને પોતાની રિલીઝનો સંકેત આપ્યો, જેનાથી આ મોટો ટ્રેડ શક્ય બન્યો.

