IPL 2026 / RCBને ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા, ચેમ્પિયન ટીમ માટે લગાવશે મોટી બોલી

ભારતીય ઉદ્યોગપતિ અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના CEO અદાર પૂનાવાલાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ખરીદવામાં સત્તાવાર રીતે રસ દર્શાવ્યો છે. IPL 2025 પછી RCBના સંભવિત વેચાણને લગતી અટકળોનો પૂનાવાલાએ વ્યક્તિગત રીતે જવાબ આપ્યો હોય તેવું આ પહેલીવાર છે.
અદાર પૂનાવાલાએ 22 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "હું આગામી મહિનાઓમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવવાની તૈયારી કરી રહ્યો છું. આ IPLની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે."
18 વર્ષની લાંબી રાહ જોયા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું. તેના થોડા જ સમય પછી ફ્રેન્ચાઈઝીના માલિકોએ ટીમ વેચવાનો નિર્ણય લીધો. RCBના માલિક ડિયાજીઓ (Diageo) ફ્રેન્ચાઈઝીના મોટા ફેન ફોલોઈંગનો લાભ લેવા માંગે છે, જે પુરૂષો અને મહિલા બંને ટીમોએ ટાઇટલ જીત્યા પછી ઘણી વધી ગઈ છે.
અહેવાલો અનુસાર, ડિયાજિયો 31 માર્ચ, 2026 સુધીમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ને મોકલેલા પત્રમાં ડિયાજિયોએ આ પ્રક્રિયાને રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (RCSPL) માં તેના રોકાણની "વ્યૂહાત્મક સમીક્ષા" તરીકે વર્ણવી છે. RCSPLએ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે ડિયાજિયોની પેટાકંપની છે.
RCBના વેચાણ અંગેની અટકળો સૌપ્રથમ સપ્ટેમ્બર 2025માં શરૂ થઈ હતી, જ્યારે ભૂતપૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું હતું કે, "IPL ફ્રેન્ચાઈઝી ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વેચાણ અંગે ઘણી અફવાઓ છે. અગાઉ ઘણી ઓફરો નકારી કાઢવામાં આવી હતી, પરંતુ હવે એવું લાગે છે કે માલિકોએ તેને વેચવાનો નિર્ણય લીધો છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, RCB જેવી મજબૂત બ્રાન્ડ વેલ્યુ ધરાવતી ટીમ નવો રેકોર્ડ વેલ્યુએશન સેટ કરી શકે છે અને આ IPLના ભવિષ્ય માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
અદાર પૂનાવાલા કોણ છે?
અદાર પૂનાવાલા ભારતના સૌથી અગ્રણી અને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાંથી એક છે. તેઓ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO છે. તેઓ પૂનાવાલા ફિનકોર્પના ચેરમેન પણ છે. કોવિડ-19 મહામારી દરમિયાન વેક્સિન ઉત્પાદનમાં તેમની ભૂમિકાએ તેમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી હતી. ત્યારબાદ તેમણે ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને મનોરંજન ક્ષેત્રોમાં મોટું રોકાણ કર્યું છે. અહેવાલો અનુસાર, પૂનાવાલા પરિવારની કુલ સંપત્તિ આશરે 22.1 અરબ ડોલર હોવાનો અંદાજ છે.

